કેન્દ્રીય બજેટ 2022-23 અંગે નિષ્ણાતોનાં અભિપ્રાય

‘શેરબજાર નવી ઊંચાઈ સર કરશે’

અમર અંબાણી (ઈન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટી હેડ, યસ સિક્યુરિટીઝ)

કેન્દ્રના બજેટ 2022એ આર્થિક રાહતો, ખાસ કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વેરા મોરચે અપેક્ષિત અભિગમ અખત્યાર કર્યો છે. નાણાકીય ખાધનો લક્ષ્યાંક 6.9 ટકા રખાયો છે તે અપેક્ષાથી ભિન્ન છે. સરકારે ડિસ્ઈન્વેસ્ટમેન્ટ દ્વારા રૂ.650 અબજ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે તે કદાચ વધી શકે છે. એર ઈન્ડિયાનો રસ્તો ક્લિયર થયો છે અને સરકાર ડિસ્ઈન્વેસ્ટમેન્ટની લાંબી યાદી ધરાવે છે એ જોતાં નાણાકીય ખાધ ઘટાડી શકાશે. જો કોવિડ ગરબડ ન કરે તો વેરાની આવક પણ વધી શકે છે.

મૂડીખર્ચમાં તોતિંગ વધારો કરાયો છે એટલે નાણાપ્રધાને યોગ્ય નિશાન તાક્યું છે. કુલ રૂ.7.5 લાખ કરોડની અંદાજપત્રીય રાહતો કુલ ખર્ચના 19 ટકા રહેવાની સંભાવના છે, જે છેલ્લાં છ વર્ષથી 12-13 ટકાની રેન્જમાં રહે છે. જીડીપીની ટકાવારીની દૃષ્ટિએ તેમાં વધારો નથી તેમ છતાં એ યોગ્ય માર્ગે છે.

નકારાત્મક કંઈ નથી

સીધા વેરામાં કોઈ વધારો નથી કરાયો એ સારી બાબત છે, જેને  શેરબજારોએ વધાવી છે.

મુખ્ય બાબત અમલની છે. રિન્યુએબલ્સ, ડિજિટલ ઈકોનોમી. અપેક્ષા પ્રમાણેની ઈસીએલજીએસ સ્કીમનું એમએસએમઈઝ માટે વિસ્તરણ, આત્મનિર્ભરતા પ્રતિનો ઝોક, પીએલઆઈ સ્કીમ્સ માટે વધુ ફાળવણીઓ અને રિફાઈનિંગ ઉદ્યોગ અને જેમ્સ એન્ડ જ્વેલરીના કાચા માલો પરની આયાત જકાતમાં ઘટાડો નોંધપાત્ર મુખ્ય પગલાં છે. કોઈ નકારાત્મક બાબત નથી એ  બજેટ માટે હકારાત્મક છે. વિકાસલક્ષી બજેટ હોવાથી ઈક્વિટીઝ માટે આ વર્ષ અતિ સારું બની રહેશે. ભારતમાં મુખ્ય ચીજોની માગમાં વધારો થશે, જેને પગલે અર્થતંત્રનો વ્યવસ્થિત વિકાસ થશે , ભારતીય શેરબજાર નવી ઊંચાઈઓ સર કરશે.