કેન્દ્રીય બજેટ 2022-23 અંગે નિષ્ણાતોનાં અભિપ્રાય

‘અંદાજપત્રનું લક્ષ્ય ગ્રોથઃ આવક વેરામાં કોઈ રાહત ન મળતા મધ્યમ વર્ગ નારાજ’

દિલીપ લાખાણી (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બીજેપી સરકાર હેઠળ ચોથું બજેટ લોકસભામાં રજૂ કર્યું. નાણા પ્રધાને આ બજેટમાં આગામી ચુંટણીઓ આવી રહી છે તેને નજરઅંદાજ કરી કોઈપણ રાહતની જાહેરાત ન કરતા સરકારના નાણાંનો કોઈપણ દુરઉપયોગ નથી કર્યો. આ પગલું ખૂબ જ આવકાર દાયક છે.

આખા બજેટનું લક્ષ્યબિંદુ ગ્રોથ ઉપર છે અને આ દિશામાં સરકાર શું પગલાં લેશે તે માટે વિગતો આપવામાં આવી છે. નાણાકીય વર્ષ 2022-23માં રૂ.7,50,000 લાખ કરોડ મુડી ખર્ચમાં વાપરવામાં આવશે. સરકારનું માનવું છે કે પ્રાઈવેટ સેક્ટર પણ નવા પ્રોજેક્ટમાં નાણાં રોકશે. આથી ઈકોનોમીને બુસ્ટ મળશે. નવા જોબની માંગ વધશે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં વપરાતી વસ્તુઓ જેમ કે સીમેન્ટ, સ્ટીલ, વિગેરની માંગ પણ વધશે.

સરકારને ગ્રોથ માટે વિશ્વાસ

આ બજેટને બેલેન્સ બજેટ તરીકે ગણાવી શકાય. સરકારની નજર લાંબા ગાળાના લાભો પર છે, સરકારે મોટા પાયે રોકાણ કરવાની તૈયારી બતાવી છે પરંતુ નવા કરવેરા લાદ્યા નથી. સરકારને ભરોસો છે કે ઈકોનોમીનો ગ્રોથ થશે તો સરકારની આવક વધશે, સરકાર પબ્લીક સેક્ટર કંપનીના શેરોનું ડીસઈન્વેસ્ટમેન્ટ કરશે, 5જીનું લીલામ કરશે અને બાકીની રકમ લોન તરીકે ઉઘરાવશે.

મધ્યમ વર્ગ નારાજ

સરકારે સીધા કરવેરાના દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. મધ્યમ વર્ગને આ પગલાથી કોઈ ફાયદો થયો નહી હોવાથી. મધ્યમ વર્ગ જરૂરથી નારાજ થશે. સરકાર ઈન્ફ્લેક્શનની ગણતરી હોલસેલ કિંમત પર ગણે છે પરંતુ રીયાલીટી જુદી છે. પ્રજા પર મોટે પાયે ઈન્ફ્લેક્શનનો માર પડે છે અને ખર્ચા વધે છે. સીનીયર સીટીઝન તથા રીટાયર્ડ વ્યક્તિને પોતાની બચત પર વાર્ષિક 6 % થી 7 % થી વધુ વળતર મળતું નથી. તેની મૂડી ઘસાઈ રહી છે. નાણા પ્રધાને આ ક્ષેત્રે પગલા લેવાની જરૂર હતી.

સરકારે વ્યકિતગત કરદાતા પરના સરર્ચાજનો દર ઘટાડીને 15 %નો કર્યો છે. હવે આસામી કોઈ પણ કેપીટલ અસેટ વેચે તો કેપીટલ ગેઈન ટેક્સ પર 15 ટકાનો સરચાર્જ લાગશે. આ કલમનો લાભ અમીર આસામીને જ થશે. કારણકે 25% તથા 37%નો સરચાર્જ રૂ.2 કરોડથી ઉપરની કેપીટલ ગેઈનની આવક પર જ લાગુ પડતો હતો.

ડિજિટલ એસેટસના નફા પર ટેકસ

કોઈપણ આસામી દ્વારા વર્ચ્યુલ ડીજીટલ અસેટના વેચાણ પર આવક થાય તેને 30% દરે વેરો ભરવો પડશે. વેરાની ગણતરીમાં વર્ચ્યુઅલ ડીજીટલ અસેટની ખરીદ કિંમત જ નજરે પડશે. ડીજીટલ અસેટની વ્યાખ્યામાં કોઈ ઈન્ફોર્મેશન, કોડ, ટોકન, ફોટો પેઈંટીંગ વગેરેની આવરી લેવામાં આવ્યા છે. ભારતીય રીઝર્વ બેંક દ્વારા જે ડીજીટલ રૂપિયો જાહેર કરવામાં આવશે તેને આ કલમ લાગુ નહી પડે. આ કલમ જ્યારે અમલમાં આવશે ત્યારે  ઘણા પ્રશ્નો ઉભા થશે. જે વ્યક્તિ આવી વર્ચ્યુઅલ ડીજીટલ અસેટ ખરીદશે, તેણે 1 ટકાના દરે TDS પણ કાપવો પડશે.

કોઈ આસામીએ પોતાના આવક વેરાનું પત્રક ભર્યું હોય અને તેનાથી કોઈ આવક બતાવવાનું રહી ગયું હોય તો તે આકારણી વર્ષના પૂરા થયા પછીના બે વર્ષની અંદર નવું પત્રક ભરી પોતાની નવી આવક પર વેરો ભરી શકશે. આ કલમ અમુક શરતોને આધીન છે, જેનું ધ્યાન રાખવાની જરૂર છે. સરકારનો હેતુ સારો છે પરંતુ ભવિષ્યમાં પેન્ડામીકની અસર, ઓઈલની કિંમત, અમેરીકન સરકારની નીતિ, વ્યાજના દરો,  વગેરે પર ઘણો આધાર રાખવો પડશે.