ડેપ્યુટી CMની નજીકનાની જમીન બચાવવા એક્સપ્રેસવેનો રૂટ બદલાયો?

પટનાઃ બિહારના સમસ્તીપુર જિલ્લાના સરાયરંજન વિસ્તારમાં કેન્દ્ર સરકારના પટના-પૂર્ણિયા ગ્રીનફીલ્ડ એક્સપ્રેસવેને લઈને વિવાદ ઊભો થયો છે. સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે કે એક્સપ્રેસવેના મૂળ રૂટમાં બાદમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને આ બદલાવ રાજકીય દબાણને કારણે કરવામાં આવ્યો હતો. નારાજ રહેવાસીઓએ પહેલી જૂને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને આ મામલે પત્ર પણ લખ્યો હતો.

આ પત્રમાં કોઈ એક વ્યક્તિનું નામ ઉલ્લેખિત નથી, પરંતુ 24થી વધુ મકાન અને દુકાનમાલિકોએ સીધો આરોપ મૂક્યો છે કે સરાયરંજનના જેડીયુ ધારાસભ્ય અને બિહારના ઉપ મુખ્ય મંત્રી વિજયકુમાર ચૌધરીએ પોતાના એક નજીકના સગાને લાભ પહોંચાડવા માટે રૂટમાં ફેરફાર કરાવ્યો છે. જે વ્યક્તિનું નામ સામે આવી રહ્યું છે તે છે વિનીત ઈશ્વર ઉર્ફે બોબી ઈશ્વર. આરોપ મુજબ એક્સપ્રેસવેના મૂળ રૂટને કારણે બોબી ઈશ્વર અને તેમના પરિવારની અંદાજે 10.5 બીઘા જમીન પ્રભાવિત થવાની હતી, પરંતુ હવે સ્થાનિક લોકોનું કહેવું છે કે રૂટમાં થયેલા ફેરફારને કારણે લગભગ 150 જેટલાં ઘરો તૂટી શકે છે. આ ઉપરાંત, ડઝનો દુકાનો અને વ્યાવસાયિક સંસ્થાઓ પણ અસરગ્રસ્ત બનશે. સૌથી મહત્વની વાત એ છે કે 65 વર્ષ જૂની કેદાર સંત રામાશ્રય કોલેજ પણ આ પ્રોજેક્ટની ઝપટમાં આવી શકે છે. હાલમાં આ કોલેજમાં આશરે 6000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

આ મુદ્દે જ્યારે વિજય કુમાર ચૌધરી સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે તેમની તરફથી કોઈ પણ પ્રકારનું રાજકીય દબાણ કરવામાં આવ્યું નથી. તેમણે સરાયરંજનના તમામ લોકોને પોતાના પરિવારનો ભાગ ગણાવ્યા અને સ્પષ્ટ કર્યું કે જો મૂળ રૂટમાં કોઈ ફેરફાર થયો હોય તો તેનો જવાબ આપવાની જવાબદારી National Highways Authority of India (NHAI)ની છે. આ બાબત તેમના કાર્યક્ષેત્રમાં આવતી નથી.

બીજી તરફ બોબી ઈશ્વરે પણ જણાવ્યું કે નવા પ્રસ્તાવિત રૂટમાં તેમની અંદાજે 6 બીઘા જમીન હજુ પણ અસરગ્રસ્ત થઈ રહી છે. તેમણે કહ્યું હતું કે જો ખરેખર રાજકીય પ્રભાવનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો તેઓ પોતાની આ જમીન પણ બચાવી શકતા.જ્યારે સરકાર અને NHAI પાસેથી આ મુદ્દે પ્રતિસાદ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે બિહારના મુખ્ય સમ્રાટ ચૌધરીએ મામલાની તપાસ કરાવવાની વાત કરી. તેમણે કહ્યું હતું કે પ્રોજેક્ટ કેન્દ્ર સરકારનો છે, પરંતુ રૂટ નક્કી કરવામાં રાજ્ય સરકારની પણ ભૂમિકા હોય છે. લોકોની ચિંતાઓને ધ્યાનમાં રાખીને આ મુદ્દાને ગંભીરતાથી જોવામાં આવશે.