નકલી IAS અધિકારીની ધરપકડઃ રૂ. 100 કરોડોની સંપત્તિ હોવાનો દાવો

પટનાઃ બિહારના ખગડિયા જિલ્લામાં પોતાને ભારતીય વહીવટી સેવા (IAS)ના અધિકારી ગણાવનાર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ સાથે સંબંધ હોવાનો દાવો કરનાર એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસે તેના ઘરેથી 31 લિટરથી વધુ વિદેશી દારૂ, ટેસ્લા કાર અને અન્ય કીમતી માલસામાન જપ્ત કર્યો છે. આરોપીએ કથિત રીતે NSA અજિત ડોભાલના અંડરકવર એજન્ટ તરીકે કામ કરવાનો દાવો કર્યો હતો. નકલી IAS અધિકારીની ખગડિયા જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. તેની પાસે 100 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ મળી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

ખગડિયાના પોલીસ અધિક્ષક (SP) ભાનુ પ્રતાપ સિંહે પત્રકારોને જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલી વ્યક્તિની ઓળખ ગોગરી પોલીસ સ્ટેશન વિસ્તારના જમાલપુર નિવાસી મનીષ ગુપ્તા તરીકે થઈ છે. તે કથિત રીતે પોતાને વરિષ્ઠ સરકારી અધિકારી ગણાવીને બિહારના વિવિધ વિસ્તારોમાં છેતરપિંડી કરતો હતો. સિંહે જણાવ્યું હતું કે રવિવારે તેની ધરપકડ કરવામાં આવી હતી.

NSA અજિત ડોભાલ સાથે કામ કરવાનો દાવો

અહેવાલ અનુસાર પૂછપરછ દરમિયાન ગુપ્તાએ કેન્દ્રીય સતર્કતા પંચ (CVC)નું એક કાર્ડ બતાવ્યું અને દાવો કર્યો હતો કે તે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ હેઠળ ગુપ્ત એજન્ટ તરીકે કામ કરે છે. તેણે પોતાને IAS અધિકારી દર્શાવતું એક ઓળખપત્ર પણ બતાવ્યું હતું. જોકે પ્રાથમિક તપાસમાં તેના તમામ દાવા ખોટા હોવાનું સામે આવ્યું છે.

વિદેશી દારૂ અને ટેસ્લા કાર જપ્ત

પોલીસે આરોપીના ઘરેથી 31 લિટરથી વધુ વિદેશી દારૂ, મોટી માત્રામાં બીયર, એક ટેસ્લા કાર, એક ટાટા સફારી, પાંચ iફોન, 20 ક્રેડિટ કાર્ડ, આઠ ડેબિટ કાર્ડ, ચાર ચેકબુક અને અન્ય સામાન જપ્ત કર્યો છે. ટેસ્લા કાર પર ‘ભારત સરકાર’નું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. SPએ જણાવ્યું કે FSD સુવિધાથી સજ્જ ટેસ્લા કાર ભારતમાં દુર્લભ છે. પોલીસે બે બારાસિંગા (સ્વેમ્પ ડિયર)નાં શિંગડાં પણ જપ્ત કર્યાં છે. વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ આવા શિંગડાં રાખવા દંડનીય ગુનો છે. તેમણે જણાવ્યું કે પોલીસ હવે ગુપ્તાની સંપત્તિની તપાસ કરી રહી છે. આ તપાસમાં બિહાર પોલીસની ઇકોનોમિક ઓફેન્સ યુનિટ (EOU) સહિત અન્ય તપાસ એજન્સીઓની મદદ લેવામાં આવી રહી છે. SPએ કહ્યું કે આરોપીએ આ સંપત્તિ કથિત રીતે છેતરપિંડી, છેતરપિંડીયુક્ત કૃત્યો અથવા ભ્રષ્ટાચાર દ્વારા મેળવી હોવાની આશંકા છે. કથિત છેતરપિંડી અને તેની સંપત્તિના સ્ત્રોત અંગે વિગતવાર તપાસ કરવામાં આવશે.