પાકિસ્તાનના PM શહબાઝે આપી યુદ્ધ કરવાની ધમકી

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે સ્વતંત્રતા દિવસના અવસરે ભારત વિરુદ્ધ ફરી એક વાર આક્રમક વલણ અપનાવ્યું છે. ઇસ્લામાબાદમાં આયોજિત ‘યાદગાર-એ-ફતહ’ કાર્યક્રમ દરમિયાન શહબાઝ શરીફે સિંધુ જળ સંધિને લઈને ભારતને સીધી ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનના પાણીનું એક-એક ટીપું તેની રેડ લાઇન છે. જો ભારત પોતાના વલણમાંથી પીછેહઠ નહીં કરે તો પાકિસ્તાન તેનો સીધો જવાબ આપશે.

એપ્રિલ, 2025માં પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિને હોલ્ડ પર રાખી હતી. ત્યારથી પાકિસ્તાન આ મુદ્દે સતત નારાજગી વ્યક્ત કરી રહ્યું છે. મે, 2025માં ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનમાં ડીપ સ્ટ્રાઈક પણ કરવામાં આવી હતી અને આતંકવાદી સ્થાનોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. શહબાઝ શરીફે ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા સૈન્ય ટકરાવનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન શાંતિ, સન્માન અને ગૌરવ સાથે ઊભું છે, પરંતુ તેને તેની નબળાઈ સમજવી જોઈએ નહીં. તેમણે ધમકી આપી હતી કે જો ભવિષ્યમાં કોઈ પાકિસ્તાનની સાર્વભૌમત્વ અને સુરક્ષાને પડકારશે તો તેને મે, 2025 કરતાં પણ વધુ તાકાતથી જવાબ આપવામાં આવશે. જોકે મે, 2025માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષ બાદ બંને દેશોએ યુદ્ધવિરામ પર સહમતી દર્શાવી હતી.

ચીન સાથેની મિત્રતા અને તુર્કી-સાઉદી સાથેના સંરક્ષણ જોડાણનો ઉલ્લેખ

શહબાઝ શરીફે ચીનને પાકિસ્તાનનો એવો મિત્ર ગણાવ્યો જે દરેક મુશ્કેલ સમયમાં તેની સાથે ખડકની જેમ ઊભો રહ્યો છે. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન અને ચીનની મિત્રતા હિમાલયથી પણ ઊંચી છે. આ ઉપરાંત તેમણે સાઉદી અરેબિયા સાથે થયેલા સંરક્ષણ કરાર અને તેમાં તુર્કીના જોડાવાનો પણ ઉલ્લેખ કર્યો. શહબાઝે આ કરારને મુસ્લિમ વિશ્વ અને સમગ્ર ક્ષેત્રમાં શાંતિનો સંદેશ ગણાવ્યો હતો.