સમય રૈના સહિત પાંચ કોમેડિયન્સને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શુક્રવારે કોમેડિયન અને યુટ્યુબર સમય રૈના સહિત પાંચ કોમેડિયન્સ વિરુદ્ધ નોંધાયેલી FIR અને ફોજદારી કેસો રદ કરી દીધા છે. આ કેસ દિવ્યાંગ લોકો અંગે કથિત વાંધાજનક ટિપ્પણીઓ સાથે જોડાયેલી હતી, જે ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ સાથે જોડાયેલા વિવાદ બાદ નોંધાયા હતા. કોર્ટના નિર્ણયથી વિપુલ ગોયલ, બલરાજ પરમજિત સિંહ ઘઈ, સોનાલી ઠક્કર અને નિશાંત જગદીશ તંવરને પણ મોટી રાહત મળી છે. આ તમામ પર દિવ્યાંગ વ્યક્તિઓ અંગે કથિત રીતે વાંધાજનક અને અસંવેદનશીલ ટિપ્પણી કરવાનો આરોપ હતો.

કોર્ટે અગાઉ સમય રૈના અને અન્ય કોમેડિયન્સને દર મહિને ઓછામાં ઓછા બે કાર્યક્રમો યોજવાનો નિર્દેશ આપ્યો હતો. આ કાર્યક્રમો દ્વારા દુર્લભ બીમારીઓથી પીડાતા દિવ્યાંગ લોકોની સારવાર માટે નાણાં એકત્ર કરવાનાં હતાં. આ ઉપરાંત તેમને સોશિયલ મિડિયા અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર દિવ્યાંગ લોકોને આમંત્રિત કરીને તેમની સિદ્ધિઓ અને સંઘર્ષ વિશે વાત કરવાની પણ સૂચના આપવામાં આવી હતી.

આ નિર્દેશોના પાલનને લઈને મામલો ફરી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જુલાઈ, 2026માં કોર્ટે સમય રૈના પર ત્રણ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. હવે શુક્રવારે સુપ્રીમ કોર્ટે આ મામલે નોંધાયેલી તમામ FIR અને ફોજદારી કેસો રદ કરી દીધા છે. આ નિર્ણયથી સમય રૈના અને અન્ય કોમેડિયન્સને મોટી કાનૂની રાહત મળી છે.

શું છે સમગ્ર મામલો?

આ સમગ્ર વિવાદ કોમેડી શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના એક એપિસોડ બાદ શરૂ થયો હતો. તેમાં દિવ્યાંગ લોકો અને SMA (સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી) જેવી ગંભીર બીમારી અંગે કથિત વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી હતી. આ મામલે સોશિયલ મીડિયા પર પણ ભારે નારાજગી જોવા મળી હતી. વિવાદ વધ્યા બાદ સમય રૈના, વિપુલ ગોયલ, બલરાજ ઘઈ, સોનાલી ઠક્કર અને નિશાંત તંવર સહિત અનેક લોકો વિરુદ્ધ ફરિયાદો નોંધાઈ હતી અને ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.