કેન્દ્રીય બજેટ 2022-23 અંગે નિષ્ણાતોનાં અભિપ્રાય

‘બજેટમાં દેશના વિકાસ માટે નાણાં ઊભાં કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે’

દેવેન ચોક્સી (કે.આર. ચોક્સી શેર્સ ઍન્ડ સિક્યૉરિટીઝ પ્રા. લિ.ના મૅનેજિંગ ડિરેક્ટર)

આવતા વર્ષના બજેટમાં મેં વ્યક્ત કરેલા અંદાજને અનુરૂપ જ જોગવાઈઓ કરવામાં આવી છે. મેં બજેટ પૂર્વે કહ્યું હતું કે સરકાર કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઍસેટ મોનેટાઇઝેશન પર ભાર આપશે. બજેટમાં કૃષિ માટે ટેકાના ભાવ તરીકે ૨.૭૫ લાખ કરોડ રૂપિયા આપવાની જાહેરાત થઈ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ૭.૫ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનું જાહેર થયું છે તથા દેશના વિકાસ માટે નાણાં ઊભાં કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

અર્થતંત્રને ઝડપી વિકાસના માર્ગ પર મૂકવાનો સરકારનો આશય સ્પષ્ટ કરનારું આ બજેટ છે. તેને લીધે અર્થતંત્રમાં વપરાશનું પ્રમાણ વધશે, રોજગારી પણ વધશે અને તેની સાથે સાથે ઔદ્યોગિક ઉત્પાદન અને કંપનીઓના નફામાં વૃદ્ધિ થશે.

ખેડૂતોને પેદાશ વધારવા માટે મદદરૂપ થવા ૧૮ લાખ કરોડ રૂપિયાની ક્રેડિટ ગેરંટી આપવાનું જાહેર થયું છે. આ ઉપરાંત ફૂડ પ્રોસેસિંગ માટે પણ જોગવાઈ કરવામાં આવી છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનો ખર્ચ જીડીપીના લગભગ ૨.૩ ટકા જેટલો થાય છે. ગતિશક્તિ યોજના હેઠળ સરકાર આગામી દસ વર્ષમાં ૧૦૦ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે. આ યોજના દેશનો વૃદ્ધિદર વધારવાની શક્તિ ધરાવે છે. ગઈ સદીમાં દક્ષિણ કોરિયા અને ચીનમાં એ જોવા મળ્યું હતું.

પાંચ નદીઓને સાંકળવાના પ્રોજેક્ટથી આશરે ૯ લાખ હેક્ટર કૃષિ જમીનને લાભ મળશે તથા ૬૨ લાખ લોકોને પીવાનું પાણી અને વીજનિર્માણ માટે પાણી ઉપલબ્ધ થશે.

સરકારે આગામી ૨૫ વર્ષમાં દેશની અડધી વસતિ શહેરોમાં વસતિ હશે એ બાબત પર ખાસ ધ્યાન આપ્યું છે.

વળી, સરકારે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ યોજના હેઠળ ૧૯,૫૦૦ કરોડ રૂપિયાની ફાળવણી સૌરઊર્જાની પેનલના ઉત્પાદન માટે કરી છે.

એકંદરે બજેટ વૃદ્ધિલક્ષી છે અને દેશમાં દસ ટકાનો વૃદ્ધિદર લાવવા માટેનું લક્ષ્ય દર્શાવે છે.