ગુજરાત બોર્ડનાં 10-12નાં પરિણામો કયા દિવસે થશે જારી, જાણો…

ગાંધીનગરઃ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓ પોતાનાં પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સામાન્ય રીતે ગુજરાત બોર્ડ પરિણામ મે મહિનામાં આવે છે ત્યારે આ વખતે લોકસભા ચૂંટણી 2024ને કારણે આ વર્ષે ગુજરાત બોર્ડનું પરિણામ એપ્રિલ એટલે કે ચાલુ મહિનાના અંતમાં જ આવી જશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે 30 એપ્રિલની આસપાસ ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 10-12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરી શકે છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી, જ્યારે ધોરણ 12ની પરીક્ષા 26 માર્ચ સુધી ચાલી હતી. પરીક્ષા પૂરી થયા બાદ કોપી ચેકિંગની કામગીરી પૂર્ણ થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. પેપર તપાસના પૂર્ણ થઈ ગયા હોવાથી હવે પરિણામ બનાવવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. જેના પગલે એપ્રિલના અંત સુધીમાં પરિણામ જાહેર થવાની શક્યતાઓ સૂત્રો સેવી રહ્યા છે.

આ વખતે માર્ચમાં લેવાયેલી ગુજરાત બોર્ડની પરીક્ષામાં ધોરણ 10ના 9,17,687 વિદ્યાર્થી જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4,98,279 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,32,073 વિદ્યાર્થી પરીક્ષા માટે નોંધાયા છે. આમ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ મળીને કુલ 14 લાખ જેટલા પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી.