રાધિકા ખેડાએ કોંગ્રેસ નેતાઓ પર લગાવ્યા ગંભીર આરોપ

નવી દિલ્હીઃ કોંગ્રેસનાં પ્રવક્તા રહેલી રાધિકા ખેડાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા પછી કેટલાક પદાધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું હતું કે તેને ‘ભારત જોડો યાત્રા’ દરમ્યાન કેટલાક નેતાઓએ દારૂની ઓફર કરી હતી અને એની ફરિયાદ તેમણે પાર્ટીના મોટા નેતાઓને કરી, ત્યારે તેની વાતને તેમણે સાંભળી ના સાંભળી કરી હતી.

તેણે એક X પર પોસ્ટ કરીને રાજીનામાની માહિતી શેર કરી હતી, જેમાં તેણે લખ્યું હતું કે આજે અત્યંત પીડાની સાથે પાર્ટીનું પ્રાથમિક સભ્યપદ છોડી રહી છું અને મારા પદ પરથી રાજીનામું આપું છું. હા, ‘मैं एक लड़की हूं और लड़ सकती हूं।’  અને હવે હું એ જ કરી રહી છું.

મારા દેશવાસીઓના ન્યાય માટે હું નિરંતર લડતી રહીશ.તેણે રાજીનામું આપ્યા પછી પત્રકારો સમક્ષ અનેક ખુલાસા કર્યા હતા. કોંગ્રેસના છત્તીસગઢના મિડિયા સેલના અધ્યક્ષ પર તેણે ગંભીર આરોપ લગાવતાં કહ્યું હતું કે સુશીલ કુમારે મને ભારત જોડો યાત્રા દરમ્યાન દારૂ ઓફર કર્યો હતો. જ્યારે અમે કોરબામાં હતા, ત્યારે મારી સાથે મિડિયા સેલની બે યુવતીઓ પણ હતી, ત્યારે તેમણે મને વારંવાર ફોન કરીને પૂછ્યું હતું કે મને કયો દારૂ જોઈએ છે. તેઓ મારા રૂમનાં દ્વારા વારંવાર ખટખટાવતા હતા.

આ વાત મેં સચિન પાઇલટને પણ જણાવી હતી અને ત્યાંના પ્રદેશાધ્યક્ષને પણ જણાવી હતી. દિલ્હીમાં જયરામ રમેશજીથી માંડીને પવન ખેડા સુધી મેં એ વાત પહોંચાડી હતી, પરંતુ ત્યારે કંઈ થયું નહોતું. મેં મારી વાત ભૂપેશ બઘેલને પણ ફોન કરી જણાવી હતી, ત્યારે તેમણે મને છત્તીસગઢ છોડવા કહ્યું હતું, એમ તેમણે કહ્યું હતું.