ઝેરીલા મસાલા બનાવતા રેકેટનો પર્દાફાશઃ ત્રણની ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે ભેળસેળવાળા મસાલા બનાવતા બે યુનિટ્સ પકડી પાડ્યા છે, જેમાં મોટી માત્રામાં મસાલામાં મિલાવટની કરવામાં આવી રહી હતી. દિલ્હીના કરાવલ નગર વિસ્તારમાં મિલાવટી મસાલા બનાવતા બે એકમોમાં દરોડા પાડતાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવટી મસાલા ખારી બાવલી, સદર બજાર, લોની તથા પડોશી રાજ્યોનાં કેટલાંય બજારોમાં મોકલવામાં આવતા હતા. આ દરોડામાં 15 ટન બનાવટી મસાલા અને કાચો માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ આ મસાલામાં સડેલા ચોખા, લાકડાનું ભૂસું અને કેમિકલ ભેળવવામાં આવતા હતા. જે લોકોની પોલીસે ધરપકડ કરી છે, એમાં દિલીપ સિંહ (46) –રહેવાસી કરાવલ, સરફરાઝ (32) મુસ્તફાબાદ નિવાસી અને ખુરશીદ મલિક (42) લોની છે.

આ મસાલાને 50-50 કિલોની મોટી બોરીઓમાં ભરીને બજારોમાં મોકલવામાં આવતા હતા. પોલીસની સૂચના પર ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ નિરીક્ષણ કરીને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે ઘટનાસ્થેળેથી 1050 કિલો સડેલા ચોખા, 200 કિલો સડેલો બાજરો, છ કિલો સડેલા નારિયલ, 720 કિલો ખરાબ જાંબુ, 24 કિલો સાઇટ્રિક એસિડ, 400 કિલો લાકડાનું ભૂસું, 2150 કિલો પશુઓને ખવડાવવામાં આવતો ખોળ, 440 કિલો ખરાબ લાલ મરચું, 150 કિલો મર્ચાની દાંડીઓ અને પાંચ કિલો કેમિકલવાળો રંગ વગેરે જપ્ત કર્યો છે.દિલ્હીની ક્રાઇમ બ્રાન્ચે બે ફેક્ટરીમાલિકો અને એક સપ્લાયરની ધરપકડ કરી છે. પોલીસ કમિશનર (ક્રાઇમ બ્રાન્ચ) રાકેશ પવારિયાએ કહ્યું હતું કે આ વ્યક્તિઓની પૂછપરછમાં માલૂમ પડ્યું હતું કે એક વધુ ફેક્ટરી કરાવલ નગરમાં કાલી ઘટા રોડ પર પણ ચાલી રહી છે. અને ત્યાં પણ દરોડા દરમ્યાન સરફરાઝને મિલાવટી મસાલા બનાવતા પકડવામાં આવ્યો હતો.