વડોદરામાં સ્માર્ટ મીટરના ઈન્સ્ટોલેશન પર બ્રેક

વડોદરા: શહેરમાં સ્માર્ટ મીટરના ભારે વિરોધ બાદ આખરે સ્માર્ટ મીટર લગાવવા પર MGVCL એ બ્રેક લગાવી છે. આડેધડ નાણાં કપાતા હોવાના લોકોના વિરોધ બાદ તંત્ર દ્વારા હંગામી નિર્ણય લેવાયો છે. ફરિયાદ કરનારને ત્યાં ચેક મીટર લગાવી હકીકત જાણાવવામાં આવશે. સાથે જ સામેથી કહેનાર સોસાયટી અને કચેરીઓમાં જ સ્માર્ટ મીટર હાલ લગાવાશે. સ્માર્ટ સિટીઓમાં સ્માર્ટ મીટર લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે. પરંતુ આ પ્રોજેક્ટ સંપૂર્ણ પાર પડે તે પહેલા જ તેનો વિરોધ શરૂ થયો છે. સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતા હોવાનો લોકોનો આક્ષેપ છે. વડોદરામાં 15 હજાર ઘરોમાં લગાવેલા આ સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે અને આ જ કકળાટને કારણે શહેરીજનોએ ઉગ્ર રજૂઆત કરી. મોટી સંખ્યામાં મહિલાઓએ હાઉસિંગ બોર્ડની ઓફિસમાં જઈને હોબાળો મચાવ્યો. લોકોનો આક્ષેપ છે કે પહેલા જે મીટર હતા તેની સરખામણીએ સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવે છે. એવા પણ આક્ષેપ થયા છે કે, રિચાર્જ કરાવ્યા બાદ પણ બેલેન્સ ઓછું આવે છે. ઘરમાં અચાનક વીજ પુરવઠો બંધ થઈ જતાં લોકોને હાલાકી ભોગવવી પડે છે. વડોદરામાં લાગેલા સ્માર્ટ મીટરનો સ્થાનિકોએ તો વિરોધ કર્યો જ પરંતુ સાથે સાથે હવે વિપક્ષ પણ મેદાનમાં આવી ગયું છે.