વિશ્વ પુસ્તક દિવસ: લેખકોએ તો ઉપાડી કલમ…પણ શું આપણે ઉઘાડી આંખ?

“જેવું વાવો તેવું ઊગે”કહેવતને માત્ર કહેવત ગણવાં કરતા અનુભવ વધારે કહી શકીએ. એને જ ધ્યાને રાખી એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કેજીવનમાં જેવા વિચારો વાવીએ તેવી જિંદગી ઊગે. જીવનનું ઘડતર કરવા વિચારશક્તિનો એક મજબુત સ્ત્રોત છે પુસ્તકો. પુસ્તકોને મિત્ર, માર્ગદર્શક, શિક્ષક અને સાથી જેવી અનેક ઉપમાઓ આપવામાં આવી છે. અનેક લોકોના જીવનમાં પુસ્તકોએ મહત્વની ભૂમિકા ભજવી છે. જેમણે પણ પુસ્તકનો સહારનો લીધો તે માનવી ક્યારેય નિરાશ નથી થયો. પુસ્તકો હંમેશા આપણને કંઈકને કઈંક આપે છે. કલમ ઉપાડી પુસ્તક સર્જન કરવાનો પ્રયાસ ન કરી શકીએ પરંતુઆંખ ઉઘાડી પુસ્તકને વાંચવાની ક્ષમતા તો બધા પાસે છે જ. આ વિશ્વ પુસ્તક દિવસ (World Book Day)નિમિત્તે ચિત્રલેખાએ ગુજરાતી સાહિત્યને અનેક નવાં વિચારો અને કલ્પનાશક્તિ પ્રદાન કરનાર લેખકો સાથે પુસ્તકના મહત્વ વિશે વાત કરી હતી. આજે ટેક્નોલોજીના યુગમાં પુસ્તકના મહત્વ પર લેખકોનું શું કહેવું છે અને તેમનું પ્રિય પુસ્તક કયું છે તે જાણીએ.

અમારું બાળપણ રમકડાંને બદલે પુસ્તકો સાથે જ વીત્યું છે. જોકે, અમારા જમાનામાં એવાં કોઈ ખાસ રમકડાં નહોતાં. ત્યારે દેશી રમતો હતી. પપ્પા લેખક હતાં એટલે ઘરમાં પુસ્તકો અને મેગેઝિન બહુ આવતાં હતાં. વાંચતાં વાંચતાં જ જાણે અમે ભણ્યા હોય એવું લાગતું. તમારી પાસે એક જ જિંદગી છે. પણ જ્યારે પુસ્તકો વાંચો છો ત્યારે અનેક જિંદગીના જુદા જુદા પાંસા અને રૂપ રંગ જોઈ શકો છો.પાત્રોના દુ:ખ સુખને જોઈ શકો છો. પુસ્તકો વાંચ્યા બાદ તમને ક્યારેય એકાંત નહીંલાગે,એવું લાગે કે જાણે એક વિશાળ કુટુંબનો ભાગ બની ગયા હોય.પુસ્તકો અનેક દિશાના દરવાજા ખોલે છે. તમારી અંદર રહેલી તમારી શક્તિને જાગૃત કરવામાં મદદ કરે છે.પુસ્તકો દ્વારા વિવિધ દુનિયા જોવા મળે છે. આપણી પાસે તો એક જ જીવન છે, જેમાં બધું નથી જોઈ શકતાં. પણ પુસ્તકો દ્વારા નવી દુનિયાના દર્શન થાય છે.પુસ્તક એ સોશિયલ ડોક્યુમેન્ટ પણ છે. સંસ્કૃતિથી માંડીને ભૂગોળ સહિતની તમામ ગતિવિધિઓ સાથે પુસ્તકોમેળાપ કરાવે છે.તેમજ પુસ્તક સમયને સાથે લઈને ચાલે છે. સોશિયલ મીડિયાના યુગમાં વાંચકોની સંખ્યા ઘટી છે, પરંતુ હજી પણ પુસ્તક પ્રેમીઓ છે જ. મારા પ્રિય પુસ્તકની વાત કરું તો મને એલેક્સ હેલેઈનું ‘રૂટ્સ’ બહુ ગમે છે- લેખિકા,વર્ષા અડાલજા

પુસ્તકોની બાદબાકી કરો તો જીવનમાં કંઈ રહેતું જ નથી. કોઈ પણ સ્વરુપે પુસ્તકની જરૂર પડે છે. આજે તમે ફોનમાં કે કમ્પ્યુટરમાં વાંચતાં હોય કે પછી કવિતા સાંભળતા હોય તો તે પુસ્તક જ છે. કાગળમાં મુદ્રિત થયેલા અક્ષરોને જ પુસ્તક કહેવાય એવું ન માની લેવાય. પુસ્તકો પાસેથી આપણે માનસિકતા પ્રાપ્ત કરીએ છીએ. જો પુસ્તકો આપણી પાસે ન હોય તો માનસિકતામાં શુન્યાવકાશ આવી જાય છે. તો બીજી બાજુ, જે લોકો પુસ્તકો નથી વાંચતા એ લોકોમાં શુન્યાવકાશ હશે એવું કહેવું પણ વહેલું થઈ જાય. પુસ્તક વાંચી પણ શકાય અને વિચારી પણ શકાય. ઘણાં અભણ લોકો પુસ્તક વાંચતા નહીં હોય પણ વિચારતા હોય એવું બની શકે. જો તમે પુસ્તક વિચારો છો, તો પણ તે વિચારશક્તિ પર પ્રભાવ પાડે જ છે. પુસ્તકનો સીધો સંબંધ વિચારશક્તિ સાથે છે. કોઈ એક પ્રિય પુસ્તકનું નામ લેવું એટલે બગીચામાં સુગંધ આપતાં તમામ ફૂલોમાંથી એક ફૂલની પસંદગી કરવા સમાન અઘરું છે. પણ લલિત સાહિત્યની વાત કરીએ તો ઉમાશંકર જોશીની કૃતિ “પ્રાચીના” અને ઝવેરચંદ મેઘાણીની “યુગવંદના” આ બધાં પુસ્તકો બાળપણમાં એટલે કે 1955ની આસપાસ વાંચેલા અને ત્યારથી લઈ અત્યાર સુધી લગભગ પચાસેક વખત વાંચ્યા હશે- લેખક, દિનકર જોશી

પુસ્તક મને આ જીવનથી વિકેન્દ્રિતકરી જે-તે વાર્તાના વિશ્વમાં લઈ જાય છે.કહેવાય છે ને કે જ્યારે યોગીઓ ધ્યાન કરે ત્યારે આ દુનિયાથી વિકેન્દ્રિત થઈ નવી દુનિયામાં પ્રવેશે છે, મારા જીવનમાં પુસ્તકની એ જ ભૂમિકા છે.જ્યારે પણ હું કોઈ વાર્તા કે નવલકથા વાંચું છું ત્યારે લાગે છેકે જાણે હું એ દ્રશ્યો નિહાળી રહ્યો છું, એનો ભાગ બની ગયો છું. જેને કારણે વ્યક્તિગત વાચક તરીકે ઈમોશનલ પાંસાઓ વધારે મજબુત બને છે. પીડા હોય કે પ્રેમ, સુખ હોય કે દુ:ખ,ભલે આપણી સાથે ન થયું હોય પણ એ તમામ ભાવનાઓમાં આપણે ઘુંટાતા જઈએ છીએ. કોઈ પણ પ્રકારના ઈમોશનમાંથી કેવી રીતે બહાર નિકળવું તે પરોક્ષ રીતે પુસ્તક શીખવે છે. તેમજ જ્યારે સુખની વાત કરીએ તો તેને કેવી રીતે પચાવવું તે પણ પુસ્તક શીખવે છે. પુસ્તક મને અલગ વિશ્વમાં લઈ જાય છે, જેને માણવું ખૂબ ગમે છે, એવું લાગે કે આ દૂનિયાનો ક્યારેય અંત જ ના આવે.પુસ્તકથી કલ્પના શક્તિ વિકસે છે. મને લાગે છે પુસ્તક જીવનની બ્લુ પ્રિન્ટ છે, નકશો છે આપણા જીવનનો. મારા માટે પુસ્તક એક સાધના સમાન છે. ગમતા વિષયોની વાત કરું તો મને વાસ્તવદર્શી કથા વધારે ગમે છે. વાસ્તવિક કથાઓ પ્રત્યે વધારે ઝૂકાવ હોય છે. કોઈ એક પ્રિય પુસ્તકનો ઉલ્લેખ કરવો ખૂબ જ અઘરું છે, પણ જો કોઈ એકની જ પસંદગી કરવી પડે તો હું કહીશ “સૌરાષ્ટ્રની રસધાર”- લેખક, રામ મોરી

 

પુસ્તક માણસને સંવેદનશીલ બનાવે છે. એ સંવેદનશીલતાને કારણે સમાજમાં સારો બદલાવ આવી શકે છે. એક પુસ્તક માણસના જીવનમાં ઘણો મોટો બદલાવ લાવી શકે છે. પુસ્તક વાંચનારા અને ન વાંચનારોની જ્યારે સરખામણી કરીએ ત્યારે ખ્યાલ આવે કે કેટલો તફાવત જોવા મળે છે. મૂળ તો સંવેદનશીલતા એ ખૂબ મોટું પાસું છે. ઘણી વખત લેખક એના આખાં જીવનનો જે નીચોડ હોય તે વાંચકો સમક્ષ પુસ્તક દ્વારા મૂકે છે. તો ઘણી વખત સમયખંડની વાત હોય તો જે-તે સમયનો ચિતાર વાંચકને આપે છે. આઝાદી પહેલાનું કોઈ પુસ્તક વાંચો તથા સાદત હસન મન્ટોની વાર્તા વાંચો તો તેમણે ભાગલા સમયે અનુભવેલી અનુભૂતિમાંથી આવતાં આલેખનનો ખ્યાલ આવે. અનુભૂતિનો રણકો વિશિષ્ટ હોય છે. આ પ્રકારના પુસ્તક વાંચીએ ત્યારે તે સમયની વેદના અને પીડાનો અનુભવ કરીએ છીએ. ટૂંકમાં, પુસ્તક સંવેદનશીલ તો બનાવે જ છે સાથે સાથે વિવિધ સંસ્કૃતિ અને ભાવનાઓનો પરિચય પણ કરાવે છે. મારું પ્રિય પુસ્તક અમૃતલાલ વેગડનું ‘સૌંદર્યની નદી નર્મદા’છે. જે તમને પ્રકૃતિની નજીક લઈ જાય છે- કવિ/લેખક, સંજય પંડ્યા

આપણો સાચો મિત્ર પુસ્તક છે. એ આપણને ક્યારેય એકાંત અનુભવવાં દેતું નથી. બીજી દુનિયા માટે એક બારી અને બારણું ખોલી આપે છે, જ્યાં ચાલ્યા વગર આપણે પહોંચી શકીએ છીએ. પુસ્તક એક સાચો વફાદાર મિત્ર છે. જેને વાંચવાનો શોખ હોય તે વ્યક્તિ ક્યારેય એકલી નથી પડતી. વાંચન ખૂબ જ જરૂરી છે. હું લેખિની (મહિલાઓ લેખન વાંચન પ્રવૃત્તિમાં જોડાય તે માટે ચલાવવામાં આવતું એક પ્લેટફોર્મ) સાથે જોડાયેલી છું. જયાં પણ અમે ‘વાંચો, વિચારો અને વ્યક્ત થાઓ’ના નારા સાથે કામ કરીએ છીએ. હું સતત વાંચતી રહું છું. વિવિધ વિષયો પર વાંચવાથી લેખન શક્તિનો પણ વિકાસ થાય છે. મારું પ્રિય પુસ્તક ધીરુબેન પટેલનું ‘કાર્તિક અને બીજા બધા’છે. તે કિશોરોની હાસ્ય નવલ છે. ગુજરાતી સાહિત્યમાં બંનેનું ખેડાણ ઓછું થયું છે. કિશોર સાહિત્યનો અભાવ જોવા મળે છે અને સાથે જ હ્યુમર કૃતિઓનું ખેડાણ પણ ઓછું થયું છે. કિશોર સાહિત્યનું સર્જન ઓછું એ એક કારણ પણ છે, કિશોરોનો સાહિત્યમાં ઓછો રસ હોવાનું. ઝવેરચંદ મેઘાણી, કનૈયાલાલ મુનશી તથા હાલના ઈલાબેન, વર્ષા બેન, ધીરુબેન સહિતના લેખકોના પુસ્તકો વાંચ્યા છે. જેમાંથી ઘણું બઘું શીખવા મળે છે. મારું પહેલુ પુસ્તક ‘મધ્યાહને સૂર્ય’લખવાની પ્રેરણા ધીરુબેનના માર્ગદર્શન હેઠળ પ્રાપ્ત થઈ અને પછી તો એમાં ઊંડા ઉતરતાં ગયા. સાહિત્ય સંગીત જેવું છે. જેટલાં તમે એમાં ઊંડા ઉતરો એટલો તમને રસ પડતો જાય- લેખિકા, પ્રીતિ જરીવાલા

 

લેખકો તેમની કલમ ઉપાડી સર્જન કરી રહ્યાં છે. વાંચક તરીકે આપણે આંખ ઉઘાડીને એ સર્જનને અને નવા વિચારોને તથા કલ્પના શક્તિને વાંચવાની જરૂર છે.