કેન્દ્રીય બજેટ 2022-23 અંગે નિષ્ણાતોનાં અભિપ્રાય

‘કોરોના-કાળના જખ્ખો ઉપર અમૃત-કાલની વાતોનો મલમ…’

અનિલ પટેલ (વરિષ્ઠ આર્થિક પત્રકાર)

નિર્મલાતાઇનું ચોથુ અને દેશનું પ્રથમ બજેટ ‘જાર્ગન’થી ભરપૂર છે ન્યુ ઇન્ડિયાનું મિડિયા તેને માથે મૂકીને નાચી રહ્યું છે. પંડિતો ગ્રોથ બુસ્ટર બજેટ લેખાવી સરકારના ઓવારણા લઇ રહ્યાં છે. સરકાર અને તેના નાણા પ્રધાનને આ બજેટ ઉપર અમૃત કાલની ઇમારત ચણાતી દેખાય છે. નિર્માલાતાઇના ગત બજેટને સૈકાનું (એટલે કે ૧૦૦ વર્ષનું) શ્રેષ્ઠ બજેટ કહીને બિરદાવ્યું હતું. આ વખતના બજેટને અમૃત-કાલના નિર્માણની ક્વાયત ગણાવાય છે. અમૃત કાલ એટલે હવે પછીના ૨૫ વર્ષનો, ૨૦૪૭ સુધીનો કાલ-ખંડ. જેના અંતે ભારતની આઝાદીને ૧૦૦ વર્ષ પુરા થવાના છે. બજેટમાં આજની વાત નથી. બહું લાંબી વાતો છે. અમૃત કાલના અમૃત પાન પછી લોકોને અજર-અમર બનાવવાની દીર્ઘદૃષ્ટિથી બજેટ તૈયાર કરાયું હોય એમ લાગે છે. નિર્મલાતાઇ ખાસ્સુ દોઢ કલાક બોલ્યાઽ શા માટે બોલ્યા, કોના માટે બોલ્યા એની કોઇને કશી ખબર પડતી નથી. ઘણીવાર ખબરના પડે એમાં વધુ મઝા આવે. અને બજાર ગઇકાલે આથી જ મઝામાં રહ્યા હોય એમ બની શકે છે.

કોઈ વિશેષ રાહત નથી!

બજેટ પ્રવચનમાં એગ્રીકલ્ચર કિસાન, ગ્રામીણ વિકાસ, શિક્ષણ, આરોગ્ય, નોકરિયાત વર્ગ, મહિલા, યુવા વર્ગ, કરદાતા, સામાજીક ક્ષેત્ર ઇત્યાદી માટે નાણા પ્રધાને કોઇ કહેતા કોઇ વિશિષ્ટ રાહત કે જાહેરાત અગર તો ચર્ચા કરી નથી. એકાદ-બે શબ્દોમાં રેલવેને આટોપી દેવાઇ છે. આવી જ હાલત ડીફેન્સની છે. આ વખતે પણ ડીફેન્સ બજેટનો આંકડો આપવાનું નાણા પ્રધાને ટાળ્યું છે. સાડા સાત લાખ કરોડના કેપેક્સ કે સરકારી મૂડીરોકાણની વાત જોરશોરથી ચગાવાઇ છે હકીકત એ છે કે અર્થતંત્રની આજની સ્થિતિમાં નવું ખાનગી રોકાણ સાવ ઠપ્પ થઇ ગયું છે એટલે સરકારે રોકાણ વધાર્યા વિના છુટકો નથી. બીજુ, કેપેક્સમાં વધારો ખરેખર ૩૫ ટકા નહિ પણ ૨૬ ટકાથી ય ઓછો છે. સામે સરકારનું માર્કેટ બોરોઇંગ ત્રણેક લાખ કરોડ વધીને ૧૪.૯૫ લાખ કરોડ થવાનું છે, એટલે વ્યાજનો બોજ ઓર વધશે.

બજેટથી નવી ૬૦ લાખ રોજગારી સર્જાશે અને એ પણ પાંચ વર્ષમાં મતલબ કે વર્ષે બાર લાખ નોકરી થઇ તો પછી બે કરોડ રોજગારી સર્જનની વાતોનું શું થયું ? ૧૦૦ સ્માર્ટ સીટીની હાલત શું છે ? બુલેટ ટ્રેન કેટલે આવી ? ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી કરવાની નેમ હતી તે ક્યાં છે ? ૨૦૨૪માં દેશને ફાઇવ ટ્રીલીયન ડોલરની ઇકોનોમિ બનાવવાનું વચન અપાયું હતું તે કેટલે આવ્યુ ?

લોકોના હાથમાં નાણાં રહેશે?

કોરાનાકાળ બહુ આકરો નીવડ્યો છે લોકોના જાન-માલની પાયમાલી થઇ છે. કરોડો- કરોડો નોકરી છીનવાઇ છે. ડીમાન્ડ ગ્રોથ ખાડે ગયો છે. તેને સતેજ કરવા બજેટમાં કોઇ જ પગલા નથી. દરેક પ્રકારની સબસીડીમાં કાપ મૂકાયો છે. ખેડૂતો માટે MSPની ફાળવણી ઘટી છે. આરોગ્ય, શિક્ષણ તેમજ સોશ્યિલ સિક્યોરીટીઝની યોજનાઓમાં ય આવી જ સ્થિતિ છે. ફુગાવો વધી રહ્યો છે. અમે સરકારી હોસ્પિટલ્સમાં પેદા થયા સરકારી સ્કૂલમાં ભણ્યા, ટોલ ટેક્સ, પાર્કીંગ ફી, એરપોર્ટ કે રેલવે સ્ટેશનની એન્ટ્રી ફીનો બોજ વેઠ્યા વિના યુવાનીમાં હર્યા-ફર્ય। આજે જન્મ થી લઇને મૃત્યુ સુધી હરેક તબક્કે પૈસા લાગે છે. ખરેખર તો આજની સ્થિતિમાં લોકોની આમદાની વધે, ધંધા-રોજગાર વધે, જીવતરનો બોજ હળવો બને તેવુ કંઇક કરવાની જરૂર હતી. લોકો ખર્ચ કરી શકે અને ખર્ચ વધારે તે માટે તેમના હાથમાં વધુ નાણા ઉપલબ્ધ બનાવવાની જરૂર હતી. તેના બદલે ૨૫ વર્ષના અમૃત-કાલનું વિઝન પકડાવી દેવાયું છે. બાય ધ વે, વર્ચ્યુઅલ એસેટસ સાદી ભાષામાં કહીએ તો ક્રિપ્ટો ઉપર ૩૦ ટકાનો ટેક્સ તથા એક ટકા ટીડીએસ આવી ગયો છે વર્ચ્યુઅલ એસેટસની વ્યાખ્યા, તેને લગતા ધારા-ધોરણ અને નિયમનના હજી કોઇ ઠેકાણાં નથી પણ ટેક્સ આવી ગયો. આવું કરનારા ભારત વિશ્વમાં કદાચ પહેલો દેશ હશે…

ઉસને હમારે જખ્મોંકા

કુછ યું કિયા ઇલાજ,

મરહમ ભી લગાયા તો

કાંટોકી નોંકસે…