બજેટઃ ગિફ્ટ સિટીમાં વર્લ્ડ ક્લાસ ફિનટેક યુનિવર્સિટી સ્થપાશે

અમદાવાદઃ નાણાપ્રધાને સંસદમાં રજૂ કરેલા નાણાકીય 2022-23ના બજેટમાં ગુજરાતને લઈને એક અતિ મહત્વની જાહેરાત કરી છે. રાજ્યના પાટનગરમાં ગિફ્ટ સિટીમાં વર્લ્ડ ક્લાસ ફિનટેક યુનિવર્સિટી  સ્થાપવામાં આવશે, જેમાં ફિનટેક-ટેક્નિકલ અને મેનેજમેન્ટ કોર્સ ઓફર કરી શકશે.  આ ઉપરાંત ઇન્ટરનેશનલ આર્બિટેશન સેન્ટર પણ શરૂ કરવામાં આવશે.

નાણાપ્રધાન દ્વારા બજેટમાં સાયન્સ ટેક, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ ક્ષેત્રે નવી યુનિવર્સિટી  અને ઇન્સ્ટિટ્યૂટ ગિફ્ટ સિટીમાં સ્થાપવામાં આવશે, એવી જાહેરાત કરવામાં આવી છે. જેને પગલે ફિનટેક અને સાયન્સ ટેક્નોલોજી પર ભાર મૂકવામાં આવશે.

નાણાપ્રધાને બજેટમાં જાહેરાત કરી હતી કે ઇન્ટરનેશનલ જ્યુરિસ્ડિક્શનમાં આવતા કેટલાક વિવાદનો સમયસર ઉકેલ લાવવા ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય આર્બિટેશન સેન્ટર શરૂ કરવામાં આવશે, જેને પગલે ગિફ્ટ સિટીના IFSCમાં સ્થપાયેલી કંપનીઓ સાથે જો કોઇ વિવાદ થાય તો આ ઓથોરિટીની મદદથી ઝડપી વિવાદનો ઉકેલ લાવી શકાશે. આ સાથે જ ફોરેન કંપનીઓને ગિફ્ટ સિટીમાં તેમના યુનિટ સ્થાપવામાં પ્રોત્સાહન મળશે.

આ વિશે ગિફ્ટ સિટી IFSCના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દીપેશ શાહે જણાવ્યું હતું કે નાણાપ્રધાને કરેલી જાહેરાતને પગલે ફિનટેક ક્ષેત્રે મોટી જાણીતી ઇન્સ્ટિટ્યૂટ કે યુનિવર્સિટી આવશે તો દેશમાં ઊભરતા ટેક્નોલોજી અને ફાઇનાન્સના સમન્વયને લગતા અભ્યાસ ક્ષેત્રે ફાયદો થશે. ઇન્ટરનેશલ આર્બિટેશન સેન્ટર શરૂ થવાને પગલે ફોરેન કંપનીઓને ગિફ્ટમાં તેમના યુનિટ સ્થાપવામાં પ્રોત્સાહન મળશે.