ગાંધીનગરસ્થિત ગિફ્ટ સિટી (GIFT City) હમણાં એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું સાક્ષી બન્યું. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી
(BAOU) દ્વારા ભારત સરકારના વિદેશ મંત્રાલયના સહયોગથી અહીં BIMSTEC (Bay of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Cooperation) સંગઠન પર બે-દિવસીય કોન્ફરન્સ યોજાઇ ગઇ. BIMSTECના સભ્ય દેશો વચ્ચે કનેક્ટિવીટી, કલ્ચર અને કો-ઓપરેશનમાં વધારે મજબૂતી કઇ રીતે સાધી શકાય એ વિષય પર યોજાએલી આ કોન્ફરન્સમાં સભ્ય દેશોના પ્રતિનિધિમંડળો અને નિષ્ણાતો ઉપસ્થિત હતા. BAOUના વાઇસ-ચાન્સેલર ડો. અમી ઉપાધ્યાય આ પ્રકારના ઉપક્રમો યોજવા માટે હંમેશા સક્રિય અને ઉત્સાહિત હોય છે. આ કોન્ફરન્સમાં પણ એમણે વિવિધ દેશોના, વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોને એક મંચ પર એકત્ર કરી દીધા.

એ જાણી લો કે, BIMSTEC એ બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઇલેન્ડ એમ સાત દેશનું બનેલું પ્રાદેશિક સંગઠન છે, જેની સ્થાપના જૂન 1997માં થઇ હતી. એનો ઉદ્દેશ દક્ષિણ એશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો વચ્ચે પરસ્પર આર્થિક અને ટેકનિકલ સહયોગને વધારે મજબૂત બનાવવાનો છે. જી-7. જી-20, BRICS જેવા અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનોની સરખામણીએ આ સંગઠન પ્રાદેશિક અને નાના કદનું લાગે, પણ વાસ્તવમાં BIMSTECના સાત સભ્ય દેશોની વસતિનો સરવાળો કરો તો એ 1.8 બિલિયન જેટલી છે એટલે વિશ્વની લગભગ ચોથા ભાગની વસતિનું પ્રતિનિધિત્વ કરે છે અને બંગાળની ખાડીની આસપાસ આવેલા વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના વિસ્તારમાં સ્થિત છે એ જોતાં એનું જિયો-પોલિટીકલ વજૂદ વધારે મહત્વનું બની જાય છે. હાલ આ સંગઠન એની સ્થાપનાના ત્રણ દાયકા પૂરાં કરવા તરફ છે અને એ જ ઉપલક્ષ્યમાં BAOU દ્વારા આ કોન્ફરન્સ યોજાઇ હતી.

અલબત્ત, સ્થાપનાના ત્રણ દાયકા પછી ય વેપાર, કનેક્ટિવિટી, ટેકનોલોજી, ઊર્જા, સુરક્ષા, આપત્તિ વ્યવસ્થાપન અને આર્થિક વિકાસ જેવા ક્ષેત્રોમાં આ સંગઠન અપેક્ષા પ્રમાણે પ્રગતિ સાધી શક્યું નથી, પરંતુ આમ છતાં બદલાઇ રહેલા જિયો-પોલિટીકલ સમીકરણો અને બંગાળની ખાડીના વધતા જતા વ્યૂહાત્મક મહત્વના કારણે ભારત માટે આ સંગઠનની જરૂરિયાત ગઇકાલે હતી એના કરતાં આજે વધારે છે. ખાસ કરીને, દક્ષિણ એશિયા અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીને બંદરો અને માળખાકીય સુવિધાઓમાં મોટું રોકાણ કર્યું છે ત્યારે.
વળી, દક્ષિણ એશિયાના દેશોનું બનેલું સંગઠન સાર્ક-SAARC (South Asian Association for Regional Cooperation) છેલ્લાં કેટલાક વર્ષોથી નિષ્ક્રિય છે. પાકિસ્તાનની અવળચંડાઇના કારણે ભારત SAARC પાસેથી બહુ અપેક્ષા રાખી શકે એમ નથી એટલે સાર્કની ગેરહાજરીમાં BIMSTEC ભારત માટે વધારે મહત્વનું બની જાય છે. દક્ષિણ એશિયામાં ચીનની કૂટનીતિને કાપવા માટે પણ આ દેશો સાથે સહયોગ જાળવી રાખવો અને મજબૂત કરવો અનિવાર્ય છે. સાથે સાથે ભારતની ‘નેબરહૂડ ફર્સ્ટ’ અને ‘એક્ટ ઈસ્ટ’ (Act East) નીતિઓ સાથે પણ એ વધારે સુસંગત છે. સંગઠનના સૌથી મોટા દેશ તરીકે ભારત ઇચ્છે છે કે બાંગ્લાદેશ, મ્યાનમાર, થાઇલેન્ડ સાથે કનેક્ટીવીટી વધે, ઉર્જા કોરિડોર બને અને સંયુક્ત રેલ નેટવર્ક વિકસે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંગઠનને વધારે ચેતનવંતુ બનાવવા 21 મુદ્દાનો એક્શન પ્લાન પણ રજૂ કર્યો છે.

આમ છતાં, BIMSTEC માટે રસ્તો આસાન નથી. આ સંગઠન માટે સૌથી મોટો પડકાર સભ્ય દેશોમાં પ્રવર્તતી રાજકીય અસ્થિરતા છે. ખાસ કરીને બાંગ્લાદેશ, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા કેટલાક સમયથી રાજકીય અસ્થિરતા અનુભવે છે. બધા દેશોમાં બહુપક્ષીય રાજકીય સિસ્ટમ છે. મ્યાનમાર, થાઇલેન્ડ અને ભૂતાનને બાદ કરતાં બાકીના દેશો માટે એમના આંતરિક રાજકારણ માટે ભારત પોતે એક મોટું ‘ફેક્ટર’ છે.
વળી, આ બધા દેશોના ચીન સાથે પણ આર્થિક અને લશ્કરી હિતો સંકળાયેલા છે એટલે ભારત માટે થઇને આ દેશો ચીન સાથે સંબંધો બગાડે એ વાતમાં માલ નથી. ચીન BIMSTECનું સભ્ય ન હોવા છતાં એની કાર્યવાહી પર ડોળો રાખીને બેઠું છે કેમ કે, બંગાળના અખાત (Bay of Bengal)માં એના હિતો સચવાયેલાં છે એટલે ચીન એટલી ઝડપથી BIMSTECની મુરાદને બર ન આવવા દે એ દેખીતું છે. આ બધાં પરિબળો જોતાં BIMSTECના દેશો માટે સમાન એજન્ડા પર આવીને સમયમર્યાદામાં લક્ષ્યાંકો હાંસલ કરવાનું અઘરું છે.

હા, BIMSTECમાં સંભાવનાઓ પુષ્કળ છે. દુનિયાની અંદાજે 22 ટકા વસતિ ધરાવવાની સાથે આ દેશોના સંયુક્ત અર્થતંત્રનું કદ સાડા પાંચ ટ્રિલિયન ડોલર જેટલું થવા જાય છે. જો આ દેશોમાં રાજકીય સ્થિરતા સ્થપાય અને કોમન એજન્ડા પર ઝડપથી અમલ થાય તો બંગાળની ખાડી દક્ષિણ એશિયાઇ દેશોની સિકલ બદલાવી શકે. ભારત માટે બીજી એક મહત્વની બાબત છે એનો મહત્વાકાંક્ષી ગ્રેટ નિકોબાર વિકાસ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ સીધી રીતે BIMSTECનો ભાગ નથી, પણ એના થકી ભારત બંગાળની ખાડી અને પૂર્વ હિંદ મહાસાગરમાં પોતાની હાજરી મજબૂત ચોક્કસ કરી શકે છે. મલક્કા જળમાર્ગ નજીક આવેલું ગ્રેટ નિકોબાર વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ વેપાર માર્ગોમાં આવે છે. ભવિષ્યમાં તે એક મહત્વપૂર્ણ લોજિસ્ટિક્સ અને ટ્રાન્સશિપમેન્ટ હબ બની શકે છે. BIMSTECની કનેક્ટિવિટી અને દરિયાઈ સહકારની યોજનાઓ સાથે પણ આ પ્રોજેક્ટ ભારત માટે સુસંગત છે અને આ સમગ્ર વિસ્તારમાં ભારતની ભૂમિકાને વધુ મજબૂત બનાવી શકે છે.

BAOU દ્વારા યોજાએલી આ કોન્ફરન્સમાં પણ આવા અનેક મુદ્દાઓ પર રસપ્રદ ચર્ચા થઇ. વિદેશ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી એસ. કે. રાજારામે વડાપ્રધાનના 21 મુદ્દાના એક્શન પ્લાનની સાથે યુથ અને ડિજીટલ કનેક્ટીવીટી પર ભાર મૂક્યો. તો BIMSTECના સાતેય દેશમાં ડિપ્લોમેટ તરીકે ફરજ બનાવી ચૂકેલા નિવૃત્ત એમ્બેસેડર અખિલેશ મિશ્રાએ બહુ યોગ્ય રીતે કહ્યું કે, BIMSTECના સાતેય દેશ પાસે પોતાની યુનિક તાકાત છે, યુનિક સંસ્કૃતિ અને કલ્ચર છે. ભૂતાન નેગેટીવ કાર્બન ઇકોનોમી ધરાવે છે તો શ્રીલંકાએ પોતાની ભૌગોલિકસ્થિતિનો લાભ લઇને લોજિસ્ટીક્સ-વેપારમાં પોતાને ગ્લોબલ હબ સાબિત કર્યું છે. દરેક દેશ એકબીજા પાસેથી કાંઇક શીખી શકે છે અને દરેક દેશનું કલ્ચર એમાં મહત્વની ભૂમિકા ભજવી શકે એમ છે.
કોન્ફરન્સમાં ઉપસ્થિત ભારત સ્કાઉટ એન્ડ ગાઇડના ચીફ નેશનલ કમિશ્નર કે. કે. ખંડેલવાલે એમના ઉદબોધનમાં Bay of Bengal ને BIMSTECના સભ્ય દેશો માટે Bay of Brotherhood એટલે કે ભાઇચારાનો અખાત ગણાવ્યો, પણ એ ભાઇચારો તો જ સાર્થક બને, જ્યારે બધા દેશો સમાન લક્ષ્યાંકો માટે સમાન ભૂમિકાએ આવે.
સામાન્ય રીતે આ પ્રકારના વિષયો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મંચ પર વધારે ચર્ચાતા હોય છે ત્યારે પ્રાદેશિક કક્ષાએ BAOU જેવી યુનિવર્સિટી આ પ્રકારની કોન્ફરન્સ યોજે એ પણ આવકારદાયક છે.
(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)






