નવી દિલ્હીઃ દિલ્હીના સૌથી પોશ અને VVIP વિસ્તારોમાંના એક અમૃતા શેરગિલ માર્ગ પર આવેલી કોઠી નંબર નવ હાલમાં એક મોટા પ્રોપર્ટી કૌભાંડને લઈને ચર્ચામાં છે. વડા પ્રધાન નિવાસ, વિદેશી દૂતાવાસો અને સંસદની નજીક આવેલા આ અત્યંત સુરક્ષિત વિસ્તારમાં આવેલી આ મિલકતનું ખુલ્લા બજારમાં વેચાણ થવું લગભગ અશક્ય માનવામાં આવે છે.
દિલ્હી પોલીસે પ્રોપર્ટી ફ્રોડ સાથે જોડાયેલા કેસમાં 38 વર્ષીય બિઝનેસમેન મોહિત ગોગિયાની ધરપકડ કરી છે. આરોપ છે કે તેણે દિલ્હીના આ આલીશાન બંગલાને નામે મોટું કૌભાંડ આચર્યું હતું. આ છેતરપિંડીની વિગતો સામે આવતાં સૌ કોઈ ચોંકી ગયા હતા.
શું છે સમગ્ર મામલો?
મોહિત ગોગિયાએ યુનિટ ગ્રુપના સહ-સ્થાપક કૃષ્ણા કુમાર અગ્રવાલની પુત્રી અને રિયલ એસ્ટેટ ડેવલપર સોનાક્ષી બંસલને એવો વિશ્વાસ અપાવ્યો હતો કે અમૃતા શેરગિલ માર્ગ પરનો આ બંગલો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે અને બેંકની હરાજી મારફતે તેને લગભગ રૂ. 75 કરોડમાં વેચવામાં આવી રહ્યો છે. પોલીસના જણાવ્યાનુસાર આ દાવાને સાચો સાબિત કરવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ રીતે આ મિલકત લગભગ રૂ. 200 કરોડના કથિત પ્રોપર્ટી ફ્રોડના કેન્દ્રમાં આવી હતી. મોહિત ગોગિયાના શિકાર કોઈ સામાન્ય અથવા પ્રથમ વખત ઘર ખરીદનારા લોકો નહોતા, પરંતુ અમૃતા શેરગિલ માર્ગ અને ગુરુગ્રામની DLF કેમેલિયાઝ જેવી પ્રીમિયમ પ્રોપર્ટીમાં રોકાણ કરનારા અનુભવી રિયલ એસ્ટેટ ડેવલપર હતા.

પોલીસે છ લોકોની ધરપકડ કરી
પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા કેટલાક મહિનાઓમાં દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાએ આ કૌભાંડના સંબંધમાં ગોગિયા, તેની પત્ની શ્વેતા અને બિઝનેસમેન અભિનવ પાઠક સહિત છ લોકોની ધરપકડ કરી છે. અમૃતા શેરગિલ માર્ગ પર આવેલા એક બંગલાની કિંમત રૂ. 100 કરોડ સુધી હોઈ શકે છે. જોકે પોલીસનું કહેવું છે કે ગોગિયાએ એવો દાવો કર્યો હતો કે મુખ્ય મિલકત અને તેની સાથે આવેલી કોઠી નંબર 9A બંને મળીને રૂ. 75 કરોડમાં મેળવી શકાય છે.




