નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના પ્રમુખ ચિરાગ પાસવાને ઇન્ફ્લુએન્સર સ્વતંત્ર ભારદ્વાજ વિરુદ્ધ દિલ્હીના પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. એક ઇન્ટરવ્યુમાં સ્વતંત્ર ભારદ્વાજે સીજેપી (CJP)ના વિરોધ પ્રદર્શન દરમિયાન એક વિદ્યાર્થી કાર્યકર્તાના પિતાનું “ખોપરી ફોડી નાખવાનો” દાવો કરતા ચિરાગ પાસવાનનું નામ ખોટી રીતે વાપર્યું હોવાનો આરોપ છે.
શું છે સમગ્ર વિવાદ?
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક પોડકાસ્ટ અને ઇન્ટરવ્યુ ક્લિપમાં સ્વતંત્ર ભારદ્વાજે દાવો કર્યો હતો કે તેણે જુલાઈ મહિનામાં જંતર મંતર ખાતે સીજેપીના પ્રદર્શન દરમિયાન એક વિદ્યાર્થી કાર્યકર્તાના પિતા પર હુમલો કરીને તેમની ખોપરી ફોડી નાખી હતી. જેમાં તેમને ૬૦ ટાંકા આવ્યા હતા. તેણે એવો પણ દાવો કર્યો હતો કે આટલા ગંભીર હુમલા છતાં તે જેલ જવાથી બચી ગયો હતો.
પોતાનો રાજકીય પ્રભાવ બતાવતા ભારદ્વાજે કહ્યું હતું કે તેને ભાજપ નેતા કપિલ મિશ્રા અને ચિરાગ પાસવાન જેવા નેતાઓનું સમર્થન પ્રાપ્ત છે. તેણે ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે, “મારા પર હનુમાનજીના આશીર્વાદ છે… કપિલ મિશ્રા મારા મોટા ભાઈ છે અને ચિરાગ પાસવાન પણ મારા મોટા ભાઈ છે.”
ચિરાગ પાસવાનનો આકરો પ્રહાર
પોતાનું નામ વિવાદમાં આવતાં જ ચિરાગ પાસવાનની પાર્ટીના લીગલ સેલે દિલ્હી પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. પાસવાને સ્પષ્ટ કર્યું હતું કે તેમનો કે તેમની પાર્ટીનો આ શખ્સ સાથે કોઈ જ સંબંધ નથી.
ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે, “જીવલેણ હુમલો કર્યાની જાહેરમાં કબૂલાત કરવા છતાં જો આરોપી વિરુદ્ધ કાર્યવાહી ન થાય તો તે ખોટો દાખલો બેસાડે છે. સ્વતંત્ર ભારદ્વાજે મારૂં અને અન્ય રાજકીય નેતાઓનું નામ ખોટી રીતે વટાવ્યું છે. હું પીડિત પરિવારને ન્યાય અપાવવાની જવાબદારી લઉં છું.”
પોલીસ કાર્યવાહી અને આરોપીની અટકાયત
શુક્રવારે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સભ્યોએ આઝાદ સમાજ પાર્ટીના સાંસદ ચંદ્રશેખર આઝાદ અને સાંસદ પપ્પુ યાદવ સાથે પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન ખાતે ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શનના થોડા જ કલાકોમાં દિલ્હી પોલીસે સ્વતંત્ર ભારદ્વાજની ઉત્તર પ્રદેશના બુલંદશહરથી અટકાયત કરી લીધી છે.
પોલીસે આ મામલે પીડિત પરિવારની ફરિયાદ અને વાયરલ વિડિયો આધારે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. જોકે, ભારદ્વાજે કરેલા દાવા મુજબ કોઈપણ રાજકીય નેતાએ તેને બચાવવા માટે પોલીસ કામગીરીમાં હસ્તક્ષેપ કર્યો હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.




