ન્યૂ યોર્ક: એક ઐતિહાસિક નિર્ણયમાં, સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા (UN General Assembly)એ વિશ્વના પરંપરાગત ‘મર્કેટર પ્રોજેક્શન’ (Mercator Map)ના બદલે વધુ સચોટ નકશો અપનાવવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ નવો નકશો ખંડોના વાસ્તવિક ક્ષેત્રફળને વધુ સચોટ રીતે રજૂ કરે છે. જેમાં આફ્રિકા ખંડ તેની વાસ્તવિક ક્ષમતા મુજબ ઘણો મોટો દેખાશે, જ્યારે યુરોપ અને ઉત્તર અમેરિકાના કદ પ્રમાણમાં નાના જોવા મળશે.
આ પ્રસ્તાવ આફ્રિકન યુનિયનની મંજૂરી અને પશ્ચિમ આફ્રિકન દેશ ટોગો (Togo) ના નેતૃત્વ હેઠળ લાવવામાં આવ્યો હતો. મતદાન દરમિયાન ૧૬૪ દેશોએ આ પ્રસ્તાવની તરફેણમાં મત આપ્યો હતો, ૬ દેશો તટસ્થ રહ્યા હતા અને અમેરિકા (US) એ આ પ્રસ્તાવનો વિરોધ કરીને વિરુદ્ધમાં મતદાન કરનાર એકમાત્ર દેશ રહ્યો હતો.
અમેરિકાનો વિરોધ અને ટીકા
અમેરિકાએ આ પગલાની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રે ૧૬મી સદીના નકશા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવાના બદલે વૈશ્વિક સ્તરના વાસ્તવિક પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. યુએસ પ્રતિનિધિ યારિના ફેરેન્સેવિચ (Yaryna Ferencevych) એ કહ્યું કે આવી બિનજરૂરી ચર્ચાઓને કારણે આ સંસ્થા તેની વિશ્વસનીયતા ગુમાવી રહી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે આ પ્રસ્તાવ આઇડિયોલોજિકલ એજન્ડા અને રિક્શતિપૂર્તિ (reparations)ને પ્રોત્સાહન આપે છે.
મર્કેટર નકશો શું છે અને તેમાં શું ત્રુટિ હતી?
ફ્લેમિશ કાર્ટોગ્રાફર જિરાડસ મર્કેટર (Gerardus Mercator) દ્વારા વર્ષ ૧૫૬૯માં ‘મર્કેટર પ્રોજેક્શન’ વિકસાવવામાં આવ્યો હતો. તે મુખ્યત્વે સમુદ્રી નેવિગેશન (દિશાસૂચન) માટે તૈયાર કરાયો હતો, જેથી નાવિકો ચોક્કસ દિશા નક્કી કરી શકે.
જોકે, પૃથ્વીના ગોળાકાર ભાગને સપાટ કાગળ પર દર્શાવવાને કારણે તેમાં ભૌગોલિક કદની મોટી ત્રુટિઓ સર્જાઈ હતી. વિષુવવૃત્ત (Equator)થી દૂર ધ્રુવો તરફ જતા જમીનનો વિસ્તાર મર્કેટર નકશામાં વિશાળ દેખાવા લાગે છે.
-
ઉદાહરણ: મર્કેટર નકશા પર ગ્રીનલેન્ડ અને આફ્રિકા લગભગ સરખા કદના દેખાય છે, પરંતુ વાસ્તવિકતામાં આફ્રિકા ખંડ ગ્રીનલેન્ડ કરતાં ૧૪ ગણો મોટો છે.
-
આ નકશાને લીધે યુરોપ, ઉત્તર અમેરિકા અને રશિયા જેવા ઉત્તરીય દેશોનો દ્રશ્ય પ્રભાવ વધુ પડતો દેખાતો હતો, જ્યારે દક્ષિણ એશિયા, લેટિન અમેરિકા અને આફ્રિકાના કદ નાના બતાવવામાં આવતા હતા.
‘ઈક્વલ અર્થ’ (Equal Earth) પ્રોજેક્શન શું છે?
વર્ષ ૨૦૧૮ માં નકશાશાસ્ત્રીઓ (Cartographers) દ્વારા ‘ઈક્વલ અર્થ’ પ્રોજેક્શન તૈયાર કરવામાં આવ્યો હતો. આ નકશો દરેક દેશ અને ખંડના ક્ષેત્રફળને તેમના વાસ્તવિક પરિમાણના યોગ્ય ગુણોત્તરમાં દર્શાવે છે.
ટોગોના વિદેશ પ્રધાન રોબર્ટ ડસ્સી (Robert Dussey) એ જણાવ્યું હતું કે, “એક ન્યાયી વિશ્વની શરૂઆત એક ન્યાયી નકશાથી થાય છે.” આ નવો નકશો શિક્ષણ અને જાહેર વ્યવહારમાં વસાહતી કાળની માનસિકતા બદલવામાં મદદરૂપ થશે.
શું આ નિર્ણય ફરજિયાત છે? અને આગળ શું થશે?
-
નોન-બાઈન્ડિંગ (બિન-બંધનકર્તા): યુએનનો આ નિર્ણય કાયદાકીય રીતે ફરજિયાત નથી. તે મર્કેટર નકશા પર પ્રતિબંધ મૂકતો નથી કે કોઈ દેશ અથવા કંપનીને નવો નકશો વાપરવા માટે મજબૂર કરતો નથી.
-
નેવિગેશનમાં ઉપયોગ ચાલુ રહેશે: વિમાની અને દરિયાઈ નેવિગેશન માટે મર્કેટર નકશાનો ઉપયોગ યોગ્ય હોવાથી ત્યાં તેનો ઉપયોગ ચાલુ રહેશે.
-
શિક્ષણમાં ફેરફાર: ટોગો સરકારે ચાલુ વર્ષના અંત સુધીમાં તેમના શાળાઓના પાઠ્યપુસ્તકોમાં નવો ‘ઈક્વલ અર્થ’ નકશો અપનાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, ફ્રાન્સે પણ મર્કેટર નકશાનો ત્યાગ કરીને વધુ સચોટ નકશા અપનાવવાની ઘોષણા કરી છે.




