નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ફરી એક વાર રાજકીય સંકટ ઘેરું બની રહ્યું છે. દેશની બહાર રહેતા બ્રિટિશ-પાકિસ્તાની નેતા અલ્તાફ હુસૈને આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાનની શક્તિશાળી સેના અને રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી વચ્ચે હાલમાં એક લડાઈ ચાલી રહી છે. મુત્તાહિદા કૌમી મુવમેન્ટ (MQM)ના સ્થાપક અલ્તાફ હુસૈનનો દાવો છે કે 27મા બંધારણીય સુધારા દ્વારા તમામ સત્તા હાંસલ કર્યા બાદ આસિમ મુનીર હવે 28મા બંધારણીય સુધારાની તૈયારી કરી રહ્યા છે. આ સુધારો નવા પ્રાંતોની રચના સાથે સંબંધિત છે, જેને સિંધ પ્રાંતમાં મજબૂત રાજકીય પકડ ધરાવતા આસિફ અલી ઝરદારી સ્વીકારવામાં સંકોચ અનુભવી રહ્યા છે.
સેના નવા પ્રાંતો કેમ બનાવવા માગે છે?
પાકિસ્તાનમાં નવા પ્રાંતો બનાવવાની યોજના સેનાની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આસિમ મુનીરના નેતૃત્વ હેઠળની સેના ઈચ્છે છે કે ચાર મોટા પ્રાંતોની જગ્યાએ 15થી 20 નાના-નાના પ્રાંતો બનાવવામાં આવે, જેથી દેશ પર તેનું નિયંત્રણ વધુ મજબૂત બને. જોકે પાકિસ્તાનના રાજકીય પક્ષો આ સાથે સહમત દેખાતા નથી.
પાકિસ્તાનના અગ્રણી અખબાર ડોનના અહેવાલ મુજબ સરકાર માટે નવા પ્રાંતો બનાવવાનું કામ ખૂબ મોટું લાગે છે. વર્તમાન સરકાર આ માટે તૈયાર દેખાતી નથી અને તેણે હજુ સુધી દેશની રાજકીય શક્તિઓ વચ્ચે કોઈ સર્વસંમતિ પણ બનાવી નથી.અહેવાલો અનુસાર અનેક નવા પ્રાંતો બનાવવાની યોજના છે. જોકે તેમની ચોક્કસ સંખ્યા હજુ નક્કી કરવામાં આવી નથી. અંદાજ મુજબ આ સંખ્યા 7થી 27 વચ્ચે હોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં હાલમાં બંધારણીય રીતે ચાર મોટા પ્રાંતો છે. દેશની ખરાબ સ્થિતિને ધ્યાનમાં રાખીને નવા પ્રાંતો બનાવવાની ચર્ચા શરૂ થઈ છે, પરંતુ નિષ્ણાતો તેને સેનાનો પ્રોજેક્ટ માને છે. પાકિસ્તાનની અંદર જ આ પ્રસ્તાવનો વિરોધ શરૂ થઈ ગયો છે. 24 કરોડથી વધુની વસ્તી ધરાવતું પાકિસ્તાન ચાર પ્રાંતો—પંજાબ, સિંધ, ખૈબર પખ્તૂનખ્વા અને બલૂચિસ્તાન—માં વહેંચાયેલું છે. આ સ્થિતિને જોતાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરિક-એ-ઇન્સાફ (PTI)ના નેતાઓનું કહેવું છે કે આઠ વર્ષમાં સરકાર માત્ર એક વિલીનીકરણની સમસ્યા ઉકેલી શકી નથી તો પછી 15 પ્રાંતો બનશે ત્યારે તે આટલી મોટી વ્યવસ્થા કેવી રીતે સંભાળી શકશે?




