‘ઈમરાન ખાન હવે નથી રહ્યા?’ પત્રકારના દાવાથી ભુકંપ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) ના વડા ઈમરાન ખાનની તંદુરસ્તી અને જેલમાં તેમની હાજરીને લઈને ફરી એકવાર અફવાઓનું બજાર ગરમ થયું છે. રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ 73 વર્ષીય ઈમરાન ખાનના નિધનની અસ્પષ્ટ અફવાઓએ પાકિસ્તાનના રાજકારણમાં મોટો ભૂકંપ સર્જ્યો છે.

પાકિસ્તાની પત્રકારનો ચોંકાવનારો દાવો

અમેરિકામાં રહેતા પાકિસ્તાની પત્રકાર વજાહત સઈદ ખાને પોતાની યુટ્યુબ ચેનલ પર એક દાવો કર્યો હતો. તેમણે રાવલપિંડી સ્થિત પાકિસ્તાની સેનાના મુખ્યાલય (GHQ) માં તેનાત 3 વરિષ્ઠ સૈન્ય અફસરોને ટાંકીને કહ્યું કે, તેમને આશંકા છે કે “ઈમરાન ખાન હવે આપણી વચ્ચે નથી રહ્યા.” વજાહતના જણાવ્યા અનુસાર, સેનાપ્રમુખ આસિમ મુનીર આ બાબત આખા દેશથી છુપાવી રહ્યા છે. જોકે, પત્રકારે પોતે પણ સ્વીકાર્યું હતું કે આ અસમર્થિત માહિતી છે અને માત્ર સાંભળેલી વાતોના આધારે આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

PTI ના ગંભીર આરોપો અને પરિવારને મુલાકાતની મનાઈ

PTI નેતાઓ અને ઈમરાન ખાનની બહેનોએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા કેટલાક દિવસોથી તેમને જેલમાં પૂર્વ પીએમને મળવા દેવામાં આવતા નથી. પાર્ટીએ માગ કરી છે કે ઈમરાન ખાનનું સ્વતંત્ર તબીબો દ્વારા મેડિકલ ચેકઅપ કરાવવામાં આવે અને પરિવાર તથા વકીલોને તાત્કાલિક મુલાકાતની મંજૂરી આપવામાં આવે. આ પહેલા November 2025 માં પણ ઈમરાન ખાનના મોતની અફવાઓ ઉડી હતી. પરંતુ 2 December 2025 ના રોજ તેમની બહેન ઉઝમા ખાનમે જેલમાં મુલાકાત લીધા બાદ તેઓ શારીરિક રીતે સ્વસ્થ હોવાની પુષ્ટિ કરી હતી.

20 લાખ લોકો સાથે ‘ઈસ્લામાબાદ લોંગ માર્ચ’ની જાહેરાત

ઈમરાન ખાનની સ્થિતિને લઈને વધતી અસ્પષ્ટતા વચ્ચે PTI એ શહબાઝ શરીફ સરકાર અને આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર સામે મોરચો માંડ્યો છે. ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અને PTI નેતા સોહેલ આફ્રિદીએ ચેતવણી આપી છે કે 20 લાખથી વધુ લોકો રસ્તા પર ઉતરવા તૈયાર છે. પાર્ટીએ 27 September 2026 ના રોજ ઈસ્લામાબાદ તરફ વિશાળ ‘લોંગ માર્ચ’ યોજવાની જાહેરાત કરી છે.

અમેરિકી સાંસદોનો વિદેશ મંત્રી માર્કો રૂબિયોને પત્ર

બીજી તરફ, પાકિસ્તાન સરકાર પર આંતરરાષ્ટ્રીય દબાણ પણ વધી રહ્યું છે. યુએસ કોંગ્રેસના 13 દ્વિપક્ષીય સાંસદોએ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોને પત્ર લખીને ઈસ્લામાબાદ સાથે ઈમરાન ખાન અને તેમની પત્ની બુશ્રા બીબીની જેલની સ્થિતિ અંગે વાત કરવા વિનંતી કરી છે. પત્રમાં ઈમરાન ખાનના લાંબા એકાંત કારાવાસ અને સ્વાસ્થ્ય અંગે સંયુક્ત રાષ્ટ્રના વિશેષ દૂત દ્વારા આપવામાં આવેલી ચેતવણીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.