NEET પરીક્ષા અને વિદ્યાર્થી આંદોલનને લઈને સંસદમાં ચાલી રહેલા ભારે હોબાળા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભા સ્પીકર ઓમ બિરલાને એક પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે સરકાર વિદ્યાર્થી આંદોલનના મુદ્દે સંસદમાં વિગતવાર વાતચીત કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે સ્પીકરને વિનંતી કરી છે કે તેઓ વિપક્ષી દળો સાથે વાતચીત કરીને ચર્ચાનો સમય નક્કી કરે.
BAC બેઠક અને વિદેશી અંશદાન બિલનો ઉલ્લેખ
અમિત શાહે બિઝનેસ એડવાઈઝરી કમિટી (BAC) ની બેઠકનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ BAC ની બેઠકમાં જ સરકાર વતી NEET પરીક્ષા અંગે ચર્ચા કરવાની મંજૂરી આપી દીધી હતી. વિપક્ષની આ માગ પહેલાથી જ સ્વીકારી લેવામાં આવી હતી. પત્રમાં જણાવાયું છે કે ચાલુ સત્ર દરમિયાન ‘વિદેશી અંશદાન (અનુચિત સાધનોની રોકથામ) સુધારા વિધેયક, 2026’ પર ચર્ચા થઈ ચૂકી છે. આ ચર્ચા દરમિયાન વિપક્ષના કોઈ પણ સાંસદે NEET પરીક્ષા અંગે ગૃહમાં કોઈ વિચાર વ્યક્ત કર્યા નહોતા. તેમ છતાં, સરકાર આ સંવેદનશીલ મુદ્દે ચર્ચા માટે તૈયાર છે.

‘વિપક્ષના તમામ પ્રશ્નોના જવાબ આપવા તૈયાર છું’
અમિત શાહે લોકસભા અધ્યક્ષને પત્રમાં વિનંતી કરી છે કે, “તમે વિપક્ષ સાથે ચર્ચા કરીને પરસ્પર સંમતિથી જેટલો સમય કે કલાક યોગ્ય સમજો તેટલો સમય ફાળવવાની કૃપા કરો. હું નિર્ધારિત સમય દરમિયાન ગૃહમાં ઉપસ્થિત રહીને આ મુદ્દા પરની ચર્ચામાં ભાગ લેવા માંગુ છું અને વિપક્ષના તમામ પ્રશ્નોના ઉત્તર આપવા માટે તૈયાર છું. લોકશાહીમાં ચર્ચા અને સંવાદથી જ ઉકેલ આવે છે. મારો લોકશાહી અને લોકશાહી સંસ્થાઓમાં અડીખમ વિશ્વાસ છે.”
સંસદ બહાર અમિત શાહનું નિવેદન
સંસદ ભવનની બહાર મીડિયા સાથે વાત કરતા અમિત શાહે ઉમેર્યું હતું કે, “સરકાર પાસે છુપાવવા માટે કંઈ નથી. વિપક્ષ આ મુદ્દે ચર્ચા કરવા દેવાના બદલે સંસદની કામગીરીને ખોરવી રહ્યો છે. હવે વિપક્ષે જ નક્કી કરવાનું છે કે તેઓ ચર્ચા ઈચ્છે છે કે હોબાળો. ઉલ્લેખનીય છે કે NEET પરીક્ષાના પેપર લીક અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ બળપ્રયોગના આક્ષેપોને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે વિવાદ ચાલુ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓ ગૃહમંત્રી પાસે જવાબ માગી રહ્યા છે.
કિરેન રિજિજુએ વિપક્ષના વલણ પર નારાજગી વ્યક્ત કરી
બીજી તરફ સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ વિપક્ષની નીતિ સામે ભારે નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, “ઇતિહાસમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે સરકાર ચર્ચા કરવા માંગે છે પરંતુ વિપક્ષ ભાગી રહ્યો છે. વિપક્ષનું આ વલણ દેશના હિતમાં નથી. વિપક્ષે ચર્ચા અને અમિત શાહના જવાબની માગ કરી હતી, જેના માટે અમે તૈયાર છીએ છતાં તેઓ ગૃહ ચાલવા દેતા નથી. ચોમાસુ સત્રમાં કોંગ્રેસે સતત હોબાળો કર્યો છે, હવે જનતા પણ જાણવા માંગે છે કે કોંગ્રેસ ચર્ચાથી કેમ ભાગી રહી છે.”




