IPL 2026 માં નબળા પ્રદર્શન બાદ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ની ટીમે પોતાની લીડરશિપ અને કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર કર્યો છે. સતત 18 વર્ષ સુધી સીએસકેના હેડ કોચ તરીકે સેવા આપનાર સ્ટીફન ફ્લેમિંગના સ્થાન ખાલી પડ્યા બાદ ફ્રેન્ચાઇઝીએ ભારતના પૂર્વ દિગ્ગજ ઝડપી બોલર ઝહીર ખાનને ટીમના નવા હેડ કોચ તરીકે જાહેર કર્યા છે. મહેન્દ્ર સિંહ ધોની અને કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટીમ માલિક રૂપા ગુરુનાથ સાથે મસલત કર્યા બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઝહીર ખાન પાસે આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સના ડાયરેક્ટર અને લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટર તરીકે કામ કરવાનો મોટો અનુભવ છે, જે હવે ચેન્નઈ સુપર કિંગ્સ માટે નિર્ણાયક સાબિત થશે.

ઝહીર ખાને વ્યક્ત કરી ખુશી
સીએસકેના હેડ કોચ બન્યા બાદ પ્રતિક્રિયા આપતાં ઝહીર ખાને જણાવ્યું હતું કે, “IPL ના ઇતિહાસની સૌથી સફળ ટીમોમાંથી એક એવી ફ્રેન્ચાઇઝી સાથે જોડાવું એ મારા માટે ગર્વની વાત છે. એક ક્રિકેટર તરીકે મેં હંમેશાં મેદાન પર સીએસકે સામે રમવાનો આનંદ માણ્યો છે. ચેપોક સ્ટેડિયમમાં ફેન્સ જે માહોલ સર્જે છે તે અદ્ભુત છે. હું આ મહાન વારસો ધરાવતી ટીમ સાથે નવી ઇનિંગ શરૂ કરવા ઉત્સુક છું.”
ટીમ માલિક રૂપા ગુરુનાથનું નિવેદન
૫ વખતની ચેમ્પિયન સીએસકેના માલિક રૂપા ગુરુનાથ આ નિર્ણય અંગે જણાવ્યું હતું કે, “ઝહીર ખાનને અમારા હેડ કોચ તરીકે જાહેર કરતાં અમને અત્યંત આનંદ થાય છે. ઝહીરનું શાનદાર ક્રિકેટ કરિયર અને યુવા ખેલાડીઓને ઘડવાની તેમની ક્ષમતા અમારી ટીમ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. તેમના માર્ગદર્શન હેઠળ સીએસકેનો કોર વધુ મજબૂત બનશે તેનો અમને પૂરો વિશ્વાસ છે.”




