ભારતીય યુવા ક્રિકેટ ટીમે અંડર-19 એશિયા કપની ફાઇનલ મેચમાં પાકિસ્તાનને છેલ્લા બોલ સુધી રોમાંચક બનેલા મુકાબલામાં 1 વિકેટથી પરાજય આપીને વિજય મેળવ્યો છે. શ્વાસ રોકી દેનારા આ મહામુકાબલામાં ભારતીય યુવા ખેલાડીઓએ પાછલી સિઝનની ફાઇનલ મેચમાં મળેલી હારનો હિસાબ પણ બરાબર કરી લીધો છે. અંડર-19 એશિયા કપ 2025ની ફાઇનલ મુકાબલામાં પાકિસ્તાને ભારતને 191 રનોથી કારમી હાર આપી હતી. જોકે, ભારતે આગામી જ સિઝન (અંડર-19 એશિયા કપ 2026)માં પાકિસ્તાનને રોમાંચક મેચમાં હરાવીને પોતાનો બદલો પૂરો કરી લીધો છે. આ સાથે જ ભારતીય ટીમે નવમી વખત એશિયા કપનું ખિતાબ પોતાના નામે કર્યું છે.

પાકિસ્તાનને હરાવીને ભારત નવમી વખત બન્યું ચેમ્પિયન
ભારતની અંડર-19 ટીમે શનિવારે રમાયેલી ફાઇનલ મેચમાં પાકિસ્તાનને છેલ્લી ઓવરના અંતિમ બોલ પર 1 વિકેટથી હરાવીને એશિયન ક્રિકેટ કાઉન્સિલ અંડર-19 એશિયા કપનું ખિતાબ નવમી વખત જીતી લીધું છે. મેચમાં એક સમયે પરાજય તરફ ધકેલાઈ રહેલી ભારતીય ટીમને મોહિત ઉલ્વા અને મનલ ચૌહાણની જોડીએ અત્યંત દબાણભરી પરિસ્થિતિમાં શાનદાર પ્રદર્શન કરીને મેચમાં વાપસી કરાવી હતી અને પાકિસ્તાનને 1 વિકેટે પરાજય આપ્યો હતો. મનલ ચૌહાણના આઉટ થયા બાદ એક ક્ષણ માટે ભારતીય છાવણીમાં નિરાશા છવાઈ ગઈ હતી, પરંતુ અંતિમ બેટ્સમેન તરીકે મેદાન પર ઉતરેલા ચિગુરપતિ વેંકટાએ અણનમ 11 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમીને ભારતને વિજય અપાવવામાં નિર્ણાયક યોગદાન આપ્યું હતું.

મોહિત ઉલ્વાએ માત્ર 26 બોલમાં 5 ચોગ્ગા અને 3 ગગનચુંબી છગ્ગા ફટકારીને અણનમ 49 રનની મેચ વિજયી ઇનિંગ રમી હતી. આ ઉપરાંત કપ્તાન લક્ષ્ય (80), આર્યવીર સહેવાગ (58), મોહિત ઉલ્વા (અણનમ 49) અને મનલ ચૌહાણ (47)એ ઉત્કૃષ્ટ બેટિંગ પ્રદર્શન કર્યું હતું. પાકિસ્તાન તરફથી બોલિંગ કરતા રિઝવાનઉલ્લાહે 3 વિકેટ ઝડપી હતી. નિકાબ શરીફને 2 વિકેટ મળી હતી, જ્યારે અલી રઝા, મોહમ્મદ સય્યામ અને હસનૈન અબ્બાસે 1-1 બેટ્સમેનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

એશિયા કપ 2025માં પાકિસ્તાને આપી હતી ફાઇનલમાં માત
ભારત અને પાકિસ્તાન વચ્ચે અગાઉની અંડર-19 એશિયા કપની ફાઇનલ મેચ ડિસેમ્બર 2025માં દુબઈ ખાતે રમાઈ હતી, જ્યાં પાકિસ્તાને ભારતને 191 રનોના વિશાળ અંતરથી હરાવીને ખિતાબ જીતી લીધો હતો. તે મુકાબલામાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા સમીર મિન્હાસના શાનદાર 172 રનની મદદથી 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 347 રન બનાવ્યા હતા. તેના જવાબમાં વૈભવ સૂર્યવશી અને કપ્તાન આયુષ મ્હાત્રે ઝડપથી આઉટ થઈ જવાથી ભારતીય ટીમ દબાણમાંથી બહાર આવી શકી નહોતી. ભારતે શરૂઆતની 10 ઓવરની અંદર જ પોતાની 4 મહત્વની વિકેટો ગુમાવી દીધી હતી, જેના પરિણામે સમગ્ર ટીમ 26.2 ઓવરમાં માત્ર 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ફાઇનલ મેચમાં 172 રનની મેચ જીતાડનારી ઇનિંગ રમનાર અને અંડર-19 એશિયા કપ 2025માં કુલ 471 રન બનાવનાર સમીર મિન્હાસને ‘પ્લેયર ઓફ ધ મેચ’ અને ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ જાહેર કરવામાં આવ્યા હતા.






