નવી દિલ્હી: પ્રતિષ્ઠિત જંતર-મંતર ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલા તમામ ગુનાહિત કેસ (FIR) સુપ્રીમ કોર્ટે રદ કરવાનો આદેશ આપ્યો છે. અદાલતે બંધારણના અનુચ્છેદ ૧૪૨ (Article 142) હેઠળ પોતાની વિશેષ સત્તાઓનો ઉપયોગ કરીને પ્રદર્શનકારી વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ ઐતિહાસિક નિર્ણય આપ્યો છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યાકાંતની આગેવાની હેઠળની બેંચમાં કેન્દ્ર સરકાર તથા દિલ્હી પોલીસ વતી રજૂઆત કરવામાં આવી હતી કે પોલીસ આ કેસોને આગળ વધારવા માંગતી નથી. આ રજૂઆતને ગ્રાહ્ય રાખીને કોર્ટે દિલ્હી તેમજ અન્ય રાજ્યોમાં નોંધાયેલી સંબંધિત તમામ FIR રદ કરવાનો આદેશ આપ્યો હતો.
કોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું કે શાંતિપૂર્ણ વિરોધ દર્શાવવો એ નાગરિકોનો અધિકાર છે અને સામાન્ય વિદ્યાર્થીઓ સામેના કેસ તેમના અભ્યાસ તેમજ કારકિર્દી પર નકારાત્મક અસર કરી શકે નહીં. જોકે, અદાલતે સ્પષ્ટતા કરી છે કે ગંભીર ગુનાહિત ઇતિહાસ (Serious Criminal Antecedents) ધરાવતા લોકો અને હિંસક પ્રવૃત્તિઓમાં સામેલ તત્વો સામે નિયમ મુજબ કાયદાકીય કાર્યવાહી જારી રહેશે.
સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ સંગઠનો દ્વારા આગામી દિવસોમાં પ્રસ્તાવિત કરવામાં આવેલા અન્ય વિરોધ માર્ચ અને આંદોલનાત્મક કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી દેશભરના સેંકડો વિદ્યાર્થીઓ અને યુવાનોને મોટી કાનૂની રાહત મળી છે.




