GDP પર PM મોદીએ કરી પ્રશંસા તો કોંગ્રેસે કર્યો કટાક્ષ

નવી દિલ્હીઃ GDP વિકાસ દરના તાજેતરના આંકડાઓને લઈને કેન્દ્ર સરકાર અને વિપક્ષ વચ્ચે શાબ્દિક ટકરાવ તેજ બન્યો છે. નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન)માં ભારતનો વાસ્તવિક GDP વિકાસ દર 7.8 ટકા નોંધાયો છે. આ સિદ્ધિ બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યાં છે, જ્યારે કોંગ્રેસાધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર આકરા પ્રહાર કરતાં કટાક્ષ કર્યો છે.

વડા પ્રધાન મોદીએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક વિડિયો સંદેશ જાહેર કરીને GDPના આંકડાઓ પર ખુશી વ્યક્ત કરી હતી અને વિપક્ષી પક્ષો પર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. હવે કોંગ્રેસાધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ GDP વૃદ્ધિને લઈને સરકાર દ્વારા કરવામાં આવી રહેલી ઉજવણી સામે સખત વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે.

તેમણે સોશિયલ મિડિયા પર લખ્યું હતું કે અર્થતંત્રને મામલે મોદી સરકારની કહાની “લાઇટ્સ, કેમેરા અને ઇનએકશન” એટલે કે માત્ર PR સ્ટંટ બનીને રહી ગઈ છે. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન ભલે GDPના આંકડાઓની ઉજવણી કરી રહ્યા હોય, પરંતુ દેશના સામાન્ય માણસ પાસે આ સુવિધા નથી. આજે દેશનો સામાન્ય નાગરિક ‘3-U’નો માર સહન કરી રહ્યો છે અને તેના માટે સીધી રીતે વડા પ્રધાન જવાબદાર છે.

બેરોજગારી, મોંઘવારી અને અસમાનતા

કોંગ્રેસ અધ્યક્ષે ‘3-U’ની વ્યાખ્યા કરતાં સરકાર પર ત્રણ મોટા આરોપ લગાવ્યા. તેમણે કહ્યું હતું કે દેશ અભૂતપૂર્વ બેરોજગારી, અસહ્ય મોંઘવારી અને બેકાબૂ અસમાનતાનો સામનો કરી રહ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે દેશમાં બેરોજગારી 50 વર્ષના ઉચ્ચતમ સ્તરે છે અને 40 ટકા શિક્ષિત યુવાનો બેરોજગાર છે. જુલાઈ, 2026ના આંકડાઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે 15થી 29 વર્ષની વયજૂથના દર છમાંથી એક યુવાન પાસે નોકરી નથી. આ સ્થિતિને કારણે દર વર્ષે બે કરોડ નોકરીઓ આપવાનું વચન સંપૂર્ણપણે તૂટી ગયું છે.