દેશની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા IIT બોમ્બેમાં બીજા વર્ષના વિદ્યાર્થી સાહિલ વાકોડેની આત્મહત્યાના મામલે મોટું સંકટ ઊભું થયું છે. વિદ્યાર્થીઓના સતત 3 દિવસ સુધી ચાલેલા ભારે વિરોધ પ્રદર્શન અને આક્રોશને વશ થઈને સંસ્થાના પ્રશાસને પ્રોફેસર સૂર્યનારાયણ દુલ્લાને ડીન (Dean) ના પદ પરથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. IIT બોમ્બેના ડાયરેક્ટર પ્રોફેસર શિરીષ કેદારેએ 20 September ની સાંજે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ દ્વારા સુપ્રત કરવામાં આવેલા 18 માંગણીઓના ચાર્ટર પર હસ્તાક્ષર કર્યા બાદ આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી હતી.

શું છે સમગ્ર ઘટના?
સમગ્ર વિવાદ 18 September ના રોજ 20 વર્ષીય વિદ્યાર્થી સાહિલ વાકોડેના શંકાસ્પદ સંજોગોમાં થયેલા મોત સાથે જોડાયેલો છે. સંસ્થાના જણાવ્યા મુજબ, મિડ-સેમેસ્ટર પરીક્ષા દરમિયાન સાહિલ પાસે મોબાઈલ ફોન મળી આવ્યો હતો અને તેણે AI પ્લેટફોર્મની મદદથી પ્રશ્નપત્ર અપલોડ કરીને ઉત્તરો મેળવવાનો કથિત પ્રયાસ કર્યો હતો. તે પરીક્ષા હોલમાં પ્રોફેસર દુલ્લા સુપરવાઈઝર (Invigilator) તરીકે ફરજ પર હતા. સંસ્થાએ દાવો કર્યો હતો કે તે સમયે વિદ્યાર્થી સામે કોઈ ઔપચારિક શિસ્તભંગના પગલાં લેવાયા નહોતા પરંતુ તેને કાઉન્સેલિંગ આપવામાં આવ્યું હતું.
પરિવારના ગંભીર આરોપો અને પોલીસ કેસ
મૃતક સાહિલના પરિવારે IIT બોમ્બેના કેટલાક અધિકારીઓ અને પ્રોફેસર દુલ્લા પર માનસિક ઉત્પીડન અને જાતિગત ભેદભાવ (Caste Discrimination) ના ગંભીર આરોપો લગાવ્યા છે. પરિવારની ફરિયાદના આધારે પોલીસે પ્રોફેસર દુલ્લા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણ (Abetment to Suicide) અને SC/ST અત્યાચાર નિવારણ કાયદા (Atrocities Act) ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. જોકે, IIT બોમ્બે પ્રશાસને કેમ્પસમાં જાતિગત ભેદભાવના આરોપોને ફગાવી દીધા છે.
વિદ્યાર્થીઓની 18 સુત્રીય માંગણીઓ અને સંસ્થાની માફી
સાહિલના મોત બાદ કૅમ્પસમાં વિદ્યાર્થીઓએ ન્યાયની માંગ સાથે ઉગ્ર પ્રદર્શન શરૂ કર્યું હતું. વિદ્યાર્થીઓની 18 સુત્રીય માંગણીઓમાં સમગ્ર કેસની સ્વતંત્ર અને સમયબદ્ધ તપાસ, કૅમ્પસમાં માનસિક સ્વાસ્થ્ય સેવાઓ મજબૂત કરવી, વિદ્યાર્થી કલ્યાણ પ્રણાલીમાં સુધારો કરવો અને પ્રોફેસરોના વર્તન અંગે સ્પષ્ટ નિયમો બનાવવા જેવી મુખ્ય માંગો સમાવિષ્ટ છે.દરમિયાન, IIT બોમ્બે પ્રશાસને સાહિલના મોત અંગે અગાઉ આપેલા ઉતાવળિયા નિવેદન બદલ માફી પણ માંગી છે. સંસ્થાએ સ્વીકાર્યું કે તપાસ પૂર્ણ થાય તે પહેલા ઘટનાના કારણો અંગે જાહેરમાં ટિપ્પણી કરવી યોગ્ય નહોતી. બીજી તરફ, IIT બોમ્બે ફેકલ્ટી ફોરમે પ્રોફેસર દુલ્લાનો બચાવ કરતા કહ્યું છે કે તેઓ માત્ર પોતાની ફરજ બજાવી રહ્યા હતા અને તેમણે નિયમ મુજબ જ પરીક્ષામાં થયેલી ગડબડનો રિપોર્ટ કર્યો હતો.




