મુંબઈના દાદર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘ચૈત્યભૂમિ’ રાખવાની જાહેરાતના એક દિવસ બાદ મહારાષ્ટ્ર સરકારે પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરી છે. રાજ્ય સરકારે જણાવ્યું છે કે દાદરનું 173 વર્ષ જૂનું રેલવે સ્ટેશન નહીં, પરંતુ એક્વા લાઇન પર આવેલા દાદર મેટ્રો સ્ટેશનનું નામ બદલીને ‘ચૈત્યભૂમિ’ કરવામાં આવશે. બુધવારે જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં ભૂલથી રેલવે સ્ટેશનનો ઉલ્લેખ થયો હોવાનું મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓએ જણાવ્યું છે.

પ્રેસ રિલીઝમાં ભૂલથી થયો હતો રેલવે સ્ટેશનનો ઉલ્લેખ
મુખ્યમંત્રી કાર્યાલયના એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે દાદર મેટ્રો સ્ટેશનનું નામ બદલવાનો પ્રસ્તાવ અગાઉથી જ કેન્દ્ર સરકારને મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો. જોકે, કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને આ પ્રસ્તાવ રાજ્યસ્તરીય સમિતિની મંજૂરી મળ્યા બાદ ફરી મોકલવા જણાવ્યું હતું.
અધિકારીના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહાપરિનિર્વાણ દિવસની તૈયારીઓની સમીક્ષા માટે યોજાયેલી બેઠકમાં મેટ્રો સ્ટેશનના નામ બદલવાના પ્રસ્તાવનો ઉલ્લેખ કર્યો હતો. જોકે, સંબંધિત અધિકારીઓ વચ્ચે ગેરસમજ થતાં રાજ્ય સરકારની પ્રેસ રિલીઝમાં દાદર રેલવે સ્ટેશનનું નામ બદલવાનો ઉલ્લેખ થઈ ગયો હતો.
અગાઉની જાહેરાતનો રાજકીય પક્ષો અને સ્થાનિકો દ્વારા વિરોધ
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે બુધવારે જાહેરાત કરી હતી કે આગામી વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન દાદર રેલવે સ્ટેશનનું નામ બદલવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ જાહેરાત બાદ રાજકીય પક્ષો, સ્થાનિક રહેવાસીઓ અને સોશિયલ મીડિયા પર અનેક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.
મુંબઈના દાદરમાં આવેલી ચૈત્યભૂમિ ડૉ. બાબાસાહેબ આંબેડકરનું સ્મારક છે. 6 ડિસેમ્બર, 1956ના રોજ તેમના નિધન બાદ અહીં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બાબાસાહેબના અનુયાયીઓ લાંબા સમયથી દાદર રેલવે સ્ટેશનનું નામ બદલીને ચૈત્યભૂમિ રાખવાની માગ કરી રહ્યા છે.
બીજી તરફ, રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ પણ સરકારની જાહેરાત સામે વાંધો ઉઠાવ્યો હતો. મનસેના નગરસેવક યશવંત કિલ્લેદારે કહ્યું હતું કે દાદરનું નામ બદલતા પહેલાં સ્થાનિક રહેવાસીઓનો અભિપ્રાય લેવામાં આવ્યો નથી. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે આ નિર્ણયથી દાદરની આગવી ઓળખ પર અસર પડી શકે છે. તેથી સરકાર કોઈપણ નિર્ણય લેતાં પહેલાં સ્થાનિક લોકોના અભિપ્રાયને ધ્યાનમાં લે.






