ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર સોમવારે મુંબઈની ગલીઓમાં બ્રિટનના પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ મિડલટન સાથે જોવા મળ્યા હતા. ત્રણ દિવસના ભારત પ્રવાસે આવેલા શાહી દંપતીએ સચિન સાથે ગલી ક્રિકેટની મજા માણી હતી. એટલું જ નહીં, તેમણે માટીના કુલ્હડમાં ચાની ચુસ્કીઓ પણ લીધી હતી. આ મુલાકાતના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

બેટિંગ અને બોલિંગમાં અજમાવ્યો હાથ
મુંબઈમાં ગલી ક્રિકેટ રમતી વખતે પ્રિન્સ વિલિયમે બેટિંગ અને બોલિંગ બંનેમાં હાથ અજમાવ્યો હતો. આ દરમિયાન સચિન તેંડુલકરે પણ બેટિંગ કરી હતી. સચિનનો ઓન-ડ્રાઇવ શોટ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. બીજી તરફ, કેટ મિડલટન મેદાનની બાજુમાં ઊભાં રહીને રમતનો આનંદ માણતાં જોવા મળ્યાં હતાં.

આ દંપતીએ ખાસ તૈયાર કરવામાં આવેલા ચાના સ્ટોલ પર પરંપરાગત માટીના કુલ્હડમાં ચાનો સ્વાદ પણ માણ્યો હતો. આ ઉપરાંત તેમણે બાળકો સાથે વાતચીત કરી હતી અને સ્થાનિક સંગીતકારોની રજૂઆતનો આનંદ લીધો હતો.
સચિન પાસેથી ક્રિકેટની રસપ્રદ વાતો સાંભળી
આ મુલાકાત દરમિયાન સચિન પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટનને ક્રિકેટની કેટલીક ખાસ વાતો સમજાવતા જોવા મળ્યા હતા. બંનેએ પણ સચિનની વાતો ધ્યાનથી સાંભળી હતી. પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મુંબઈ પ્રવાસનો વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં મુંબઈનો પ્રખ્યાત રાજાબાઈ ક્લોક ટાવર પણ જોવા મળે છે.
સચિન તેંડુલકરે આ મુલાકાત અંગે જણાવ્યું હતું કે, ‘અમે 10 વર્ષ પહેલાં ક્રિકેટ રમવા માટે મળ્યા હતા. ત્યારે મેં કહ્યું હતું કે અત્યારે આપણે મેદાન પર ક્રિકેટ રમી રહ્યા છીએ, પરંતુ આગલી વખતે ગલી ક્રિકેટ રમીશું. આ વખતે તેઓ આવ્યા અને અમારી સાથે ગલી ક્રિકેટમાં જોડાયા.’પ્રિન્સ વિલિયમના ભારત પ્રવાસ અંગે સચિને કહ્યું કે, આ પ્રવાસ પાછળ એક મોટો હેતુ છે અને તેઓ શાહી પરિવારની ખૂબ પ્રશંસા કરે છે.






