રોબર્ટ પેટીસન બનશે નવા જેમ્સ બોન્ડ? ‘બેટમેન’ બાદ 007ની ભૂમિકા ભજવવાની અટકળો

હોલીવુડ: સિનેમા જગતમાં પ્રખ્યાત પાત્ર ‘જેમ્સ બોન્ડ’ (007)ની ભૂમિકા કોણ ભજવશે તેને લઈને ચાલી રહેલી રેસમાં એક મોટું નામ સામે આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, પ્રખ્યાત હોલીવુડ અભિનેતા અને ‘બેટમેન’ તરીકે જાણીતા રોબર્ટ પેટીસન (Robert Pattinson) આગામી જેમ્સ બોન્ડ બનવાની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે. એમેઝોન એમજીએમ (Amazon MGM) સ્ટુડિયો દ્વારા તેમને અન્ય કલાકારોની સરખામણીમાં વધુ આકર્ષક ઓફર મળી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.જો આ અટકળો સાચી સાબિત થાય છે, તો રોબર્ટ પેટીસન એકસાથે દુનિયાના બે સૌથી લોકપ્રિય અને ખ્યાતનામ પાત્રો—એક તરફ ગોથામના સુપરહીરો ‘બેટમેન’ અને બીજી તરફ બ્રિટનના દિગ્ગજ સિક્રેટ એજન્ટ ‘જેમ્સ બોન્ડ’ તરીકે જોવા મળી શકે છે. રિપોર્ટ્સ મુજબ, સ્ટુડિયોએ તેમને ચાર ફિલ્મોને બદલે ત્રણ ફિલ્મનો પ્રસ્તાવ મૂક્યો છે અને સાથે જ મોટી ફી ઓફર કરી છે. ફિલ્મ ‘બોન્ડ 26’ના નિર્દેશક ડેનિસ વિલેન્યુવ પણ આ પાત્ર માટે રોબર્ટ પેટીસનને પસંદ કરતા હોવાનું મનાય છે. હાલમાં આ અંગે સત્તાવાર જાહેરાત બાકી છે, પરંતુ આ સમાચારથી હોલીવુડ જગતમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.