એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા હોકી ટીમે પોતાની વિજયી કૂચ જાળવી રાખતા ફેન્સના દિલ જીતી લીધા છે. ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવાના મજબૂત ઈરાદા સાથે મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમે પોતાના પૂલ B ના બીજા મુકાબલામાં ઈન્ડોનેશિયાને 17-1 ના વિશાળ માર્જિનથી પરાજય આપીને એકતરફી જીત હાંસલ કરી છે. આખી મેચ દરમિયાન ઈન્ડોનેશિયાની ટીમ ભારત સામે સંપૂર્ણપણે બિનઅસરકારક સાબિત થઈ હતી.

પ્રથમ મિનિટથી જ ભારતીય ટીમનો દબદબો
ભારતીય મહિલા ખેલાડીઓએ મેચની શરૂઆતથી જ વિસ્ફોટક અને આક્રમક રમત અપનાવીને ઈન્ડોનેશિયા પર દબાણ બનાવી દીધું હતું. ભારતીય ફોરવર્ડ લાઈને શાનદાર તાલમેલ બતાવીને હાફ ટાઈમ સુધીમાં જ 9 ગોલ દાગી દીધા હતા. બીજા હાફમાં પણ ભારતનો દબદબો યથાવત રહ્યો હતો. ભારત તરફથી દીપિકા, રુતુજા પીસલ અને નવનીત કૌરે હેટ્રિક ફટકારી હતી. આ ઉપરાંત સુનેલિતા ટોપ્પો, લાલરેમસિયામી, સાક્ષી રાણા, કેપ્ટન સલીમા ટેટે અને ઈશિકા ચૌધરીએ પણ ગોલ કરીને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ઈન્ડોનેશિયા તરફથી મેચના ત્રીજા ક્વાર્ટરમાં ઈન્નેસ આદિત્યા માત્ર 1 ગોલ નોંધાવી શકી હતી.
પુરુષ ટીમ બાદ મહિલા ટીમે પણ ઈન્ડોનેશિયાને હરાવ્યું
ઉલ્લેખનીય છે કે અગાઉ ભારતીય પુરુષ હોકી ટીમે પણ ઈન્ડોનેશિયાને 13-1 થી હરાવ્યું હતું, અને હવે મહિલા ટીમે પણ 17-1 થી માત આપીને પોતાના પૂલમાં સ્થિતિ વધુ મજબૂત કરી લીધી છે.
ઓપનિંગ મેચમાં ઉઝબેકિસ્તાનને 19-0 થી રગદોળ્યું હતું
આ અગાઉ એશિયન ગેમ્સ 2026 ની પોતાની પ્રથમ મેચમાં ભારતીય મહિલા હોકી ટીમે ઉઝબેકિસ્તાન સામે 19-0 ની ઐતિહાસિક જીત મેળવી હતી. તે મેચમાં ભારતની સ્ટાર ખેલાડી દીપિકા સેહરાવતે એકલા હાથે 8 ગોલ કર્યા હતા, જ્યારે ઈશિકા ચૌધરીએ 3 ગોલ કર્યા હતા. બે મેચમાં કુલ 36 ગોલ ફટકારીને ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ગેમ્સમાં પોતાના ગોલ્ડ મેડલ અને આગામી ઓલિમ્પિક ક્વોલિફિકેશનના દાવેદારીના સ્પષ્ટ સંકેત આપી દીધા છે.




