જાપાન: નિશ્ચિન સ્થિત કોરોગી સ્પોર્ટ્સ પાર્ક ખાતે રમાયેલી એશિયન ગેમ્સ 2026ની મેન્સ ક્રિકેટ ફાઇનલમાં શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની ભારતીય ટીમે ચિરપ્રતિદ્વંદ્વી પાકિસ્તાનને 19 રને હરાવીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો છે. આ સાથે જ ભારતે એશિયન ગેમ્સમાં ક્રિકેટનો પોતાનો ગોલ્ડ મેડલ સફળતાપૂર્વક જાળવી રાખ્યો છે.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 211 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ઓપનર અભિષેક શર્માએ માત્ર 28 બોલમાં 61 રનની તોફાની ઇનિંગ રમીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. ત્યારબાદ તિલક વર્માએ 22 બોલમાં અણનમ 51 રન અને શિવમ દુબેએ આક્રમક બેટિંગ કરીને ભારતને 200 પાર પહોંચાડ્યું હતું.
212 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 192 રન જ બનાવી શકી હતી. પાકિસ્તાન તરફથી હસન નવાઝે 51 બોલમાં 96 રનની લડાયક ઇનિંગ રમીને મેચ રોમાંચક બનાવી દીધી હતી, પરંતુ ભારતીય બોલરોએ દબાણ જાળવી રાખ્યું હતું. અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરે શાનદાર બોલિંગ કરીને મેચ ભારત તરફ વાળી લીધી હતી. આ જીત સાથે જ ભારતે એશિયન ગેમ્સ 2026 માં મહિલા અને પુરુષ બંને ક્રિકેટ સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ જીતીને હિસ્ટોરિક ‘ડબલ’ ગોલ્ડ હાંસલ કર્યો છે.






