ગ્રીન સૌરાષ્ટ્ર સમિટ 2026 : ગ્રીન ગ્રોથ ઝડપી બનાવવા હાકલ

રાજકોટ : ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (CII–IGBC) દ્વારા “Advancing Sustainable Development through Practical Green Solutions” વિષય હેઠળ ‘ગ્રીન સૌરાષ્ટ્ર સમિટ 2026’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં સરકાર, ઉદ્યોગ જગત, રિયલ એસ્ટેટ અને નિર્માણ ક્ષેત્રના નિષ્ણાતોએ એકમંચ પર આવ્યા. સૌરાષ્ટ્ર વિસ્તારમાં સંસાધન-કુશળ, પર્યાવરણ-અનુકૂળ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા અંગે ગહન ચર્ચા કરી.

સમિટ દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં ગ્રીન બિલ્ડિંગ્સનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. હાલમાં સમગ્ર પ્રદેશમાં 102 IGBC-રેટેડ પ્રોજેક્ટ્સ કાર્યરત છે, જે લગભગ 0.35 બિલિયન ચોરસ ફૂટ બાંધકામ ક્ષેત્રને આવરી લે છે. આ પ્રોજેક્ટ્સમાં રહેણાંક અને વ્યાવસાયિક મકાનો મુખ્ય છે, જે દર્શાવે છે કે આ વિસ્તારમાં પર્યાવરણ-અનુકૂળ બાંધકામનો સ્વીકાર વધી રહ્યો છે.

મુખ્ય વક્તાઓના મહત્વના વિચારો:

  • રુષિત ગોવાણી (પ્રમુખ, યુથ રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન): “રિયલ એસ્ટેટ ક્ષેત્રે સૌરાષ્ટ્રના ભવિષ્યને આકાર આપવામાં મોટી ભૂમિકા ભજવવાની છે. હવે ઉર્જા કાર્યક્ષમતા, જળ સંરક્ષણ અને ટકાઉ સામગ્રીના ઉપયોગને સામાન્ય બાંધકામનો મુખ્ય ભાગ બનાવવાની જરૂર છે.”

  • વિશાલ હોલાણી (પૂર્વ ચેરમેન, CII ગુજરાત વેસ્ટર્ન ઝોન): “ઉદ્યોગ અને ટકાઉ વિકાસ એકબીજા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના ઔદ્યોગિક એકમો ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યુએબલ એનર્જીમાં રોકાણ કરીને આ પરિવર્તનને ઝડપી બનાવી શકે છે.”

  • કુણાલ ગોલ (ચેરમેન, IGBC રાજકોટ ચેપ્ટર): “102 IGBC-રેટેડ પ્રોજેક્ટ્સ એ સૌરાષ્ટ્ર માટે એક મહત્વનો તબક્કો છે. હવે આ ગતિને આગળ ધપાવીને ગ્રીન બિલ્ડિંગ પદ્ધતિઓને મુખ્ય પ્રવાહના વિકાસમાં સાંકળવાનો સમય આવી ગયો છે.”

આ સમિટમાં ટકાઉ શહેરી આયોજન, લો-કાર્બન કન્સ્ટ્રક્શન, નેટ ઝીરો પાથવે અને નેક્સ્ટ-જનરેશન ગ્લાસ ટેકનોલોજી જેવા વ્યવહારુ ગ્રીન ઉપાયો પર ટેકનિકલ સત્રો અને પેનલ ચર્ચાઓ યોજાઈ હતી. રાજકોટ, મોરબી, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને પોરબંદર જેવા વિવિધ શહેરોના ભાગીદારોએ સાથે મળીને સૌરાષ્ટ્રને વધુ હરિયાળું અને ફ્યુચર-રેડી બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.