દિલ્હી એરપોર્ટ પર સ્પાઇસજેટની ફ્લાઇટ્સ મોડી પડી : ૫૦૦થી વધુ મુસાફરો અટવાયા

નવી દિલ્હી : ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર સ્પાઇસજેટની અનેક ફ્લાઇટ્સ કલાકો સુધી મોડી પડતાં ૫૦૦થી વધુ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લેહ, જમ્મુ અને દુબઈ જતી ફ્લાઇટ્સમાં વહેલી સવારથી જ વિલંબ થતાં એરપોર્ટ પર મુસાફરોનો રોષ જોવા મળ્યો હતો.ફ્લાઇટ્સ મોડી પડવાને કારણે ટર્મિનલ પર ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. કલાકો સુધી રાહ જોવડાવ્યા બાદ પણ એરલાઇન સ્ટાફ દ્વારા મુસાફરોને વિલંબ અંગે કોઈ સ્પષ્ટ કે યોગ્ય માહિતી આપવામાં આવી ન હતી. આ કારણોસર રોષે ભરાયેલા મુસાફરો અને એરલાઇન ગ્રાઉન્ડ સ્ટાફ વચ્ચે બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને મુસાફરોની ફરિયાદો અનુસાર, એરપોર્ટ પર ખાવા-પીવાની યોગ્ય વ્યવસ્થા કે એરલાઇન તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળવાને કારણે વૃદ્ધો, બાળકો અને આંતરરાષ્ટ્રીય મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ઓપરેશનલ કારણોસર ફ્લાઇટ્સ શિડ્યુલ ખોરવાયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે, જોકે આ ઘટનાને પગલે સ્પાઇસજેટની કસ્ટમર સર્વિસ અને કામગીરી સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.