ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં ૯થી ૧૭ ઓગસ્ટ દરમિયાન આયોજિત ‘તિરંગા યાત્રા’ અંતર્ગત પાટનગરમાં ભવ્ય રાજ્યકક્ષાની તિરંગા યાત્રા યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિશાળ તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવતાં જનતાને ‘હર ઘર તિરંગા’ અભિયાનને ‘હર દિલ તિરંગા’નું જન આંદોલન બનાવવા ભાવભરી અપીલ કરી હતી.
આ પ્રસંગે પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદિશ વિશ્વકર્મા, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, ધારાસભ્યો અને મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગરના ગ-૬ સર્કલથી અક્ષરધામ મંદિર સુધીના ૨.૪ કિલોમીટરના રૂટ પર યોજાયેલી આ યાત્રામાં નાગરિકો, યુવાનો અને વિદ્યાર્થીઓ હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રૂટ પર સાંસ્કૃતિક કાર્યક્રમો, પોલીસ બેન્ડ, નાસિક ઢોલ અને પોલીસ વિભાગના જવાનો દ્વારા રજૂ કરવામાં આવેલ ‘ડેરડેવિલ્સ શો’ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જેના કારણે સમગ્ર પાટનગર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આઝાદીના લડવૈયાઓના ત્યાગ, તપસ્યા અને બલિદાનને ચિરંજીવ રાખવા અને રાષ્ટ્ર પ્રથમની ભાવના કેળવવા આ યાત્રા એક મહત્વનું માધ્યમ છે. તેમણે ઉમેર્યું હતું કે, હાથમાં તિરંગો અને હૃદયમાં ભારત ભક્તિ સાથે જ્યારે નાગરિકો જોડાય છે ત્યારે ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’નો વિચાર સાકાર થાય છે. વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને પૂર્ણ કરવા માટે દરેક નાગરિકે કર્તવ્યબદ્ધ થઈ રાષ્ટ્ર માટે યોગદાન આપવું જોઈએ.
ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે સર્વેનું સ્વાગત કરતાં કહ્યું હતું કે રાષ્ટ્રધ્વજ આપણા રાષ્ટ્રીય ગૌરવ, એકતા અને અખંડિતતાનું અમર પ્રતીક છે. આ યાત્રામાં ગાંધીનગરના પદાધિકારીઓ, વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.




