આંતરરાષ્ટ્રીય સર્પદંશ જાગૃતિ દિવસ : અમદાવાદ ગ્રામ્ય આરોગ્ય વિભાગનું જનજાગૃતિ અભિયાન

અમદાવાદ: દર વર્ષે ૧૯ સપ્ટેમ્બરના રોજ ઉજવાતા ‘આંતરરાષ્ટ્રીય સર્પદંશ જાગૃતિ દિવસ’ નિમિત્તે અમદાવાદ ગ્રામ્ય આરોગ્ય વિભાગ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. બી. કાપડિયાના માર્ગદર્શન હેઠળ સર્પદંશ અંગે વ્યાપક જનજાગૃતિ અને સમયસર તબીબી સારવારના મહત્વ અંગે વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સર્પદંશ એક મેડિકલ ઈમરજન્સી (તબીબી કટોકટી) છે અને યોગ્ય સમયે સારવાર મેળવવાથી ગંભીર પરિણામો કે જીવનું જોખમ અટકાવી શકાય છે.

આ જાગૃતિ અભિયાન અંતર્ગત અમદાવાદ ગ્રામ્યના ૧૦૦ કરતાં વધુ આયુષ્યમાન આરોગ્ય મંદિરો દ્વારા સર્પદંશથી બચાવ અને જાગૃતિ અંગે લઘુ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ૨૫ કરતાં વધુ શાળાઓમાં બાળકોને સર્પદંશથી બચવાના ઉપાયો અને જરૂરી સાવચેતીઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી અમદાવાદ ડો. ચિંતન દેસાઈના જણાવ્યા અનુસાર, સર્પદંશ થાય ત્યારે દર્દીને શાંત રાખવો, તેનું હલનચલન ઓછું કરવું, ડંખ વાળા અંગને સ્થિર રાખવું અને વિલંબ કર્યા વગર તાત્કાલિક નજીકની સરકારી આરોગ્ય સંસ્થા કે હોસ્પિટલે પહોંચાડવું અત્યંત જરૂરી છે. તેમણે ખાસ સ્પષ્ટતા કરી હતી કે ડંખની જગ્યાએ ચીરો મૂકવો, ઝેર ચૂસવાનો પ્રયાસ કરવો, દોરડું કે ટુર્નિકેટ કસીને બાંધવું, બરફ લગાવવો, ઘરગથ્થુ ઉપચાર કે તાંત્રિક વિધિ/ઝાડફૂંક કરાવવી જેવી ભૂલો ક્યારેય ન કરવી જોઈએ, તેમજ સાપને પકડવા કે મારવાનો પ્રયાસ પણ ન કરવો જોઈએ.અમદાવાદ ગ્રામ્ય આરોગ્ય વિભાગ દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સર્પદંશ અંગેની અંધશ્રદ્ધા અને અફવાઓથી દૂર રહે, સમયસર તબીબી સારવાર લે અને સમાજમાં અન્ય લોકોને પણ જાગૃત કરે. યાદ રાખો: “સર્પદંશમાં સમય અમૂલ્ય છે—વિલંબ નહીં, તાત્કાલિક સારવાર જ જીવન બચાવે છે.”