UP વિરુદ્ધ રાજસ્થાન: આખરે જયપુર હાઉસ કોનું છે?

આગ્રા: ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના વહીવટી તંત્ર હવે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે રાજસ્થાન સરકારે આગ્રાના પોશ જયપુર હાઉસ વિસ્તારમાં આવેલી કેટલીક જમીન પર પોતાનો માલિકી હક કેવી રીતે રજૂ કર્યો છે. રાજસ્થાન સરકારના દાવામાં બે ઐતિહાસિક બંગલાઓનો સમાવેશ થાય છે, જેમાં હાલમાં GST કચેરી અને આગ્રા વિકાસ સત્તામંડળની કચેરી આવેલી છે. આ ઉપરાંત આશરે 100 વીઘા જમીન પણ દાવામાં સામેલ છે, જ્યાં ભાજપ અને તેના વૈચારિક સંગઠન RSSની સ્થાનિક કચેરીઓ આવેલી છે.રાજસ્થાનના મુખ્ય સચિવે ગયા અઠવાડિયે ઉત્તર પ્રદેશ સરકારને પત્ર લખીને માગ કરી હતી કે ગીચ વસ્તીવાળા જયપુર હાઉસ વિસ્તારમાં આવેલી આ જમીનની માલિકી રાજસ્થાનને સોંપવામાં આવે. રાજસ્થાનનું કહેવું છે કે 14 રજવાડાંના વિલીનીકરણથી રાજસ્થાનનું સંયુક્ત રાજ્ય બન્યું તે પહેલાં આ જમીન જયપુરના તત્કાલીન રજવાડાની માલિકીની હતી.

અત્યાર સુધી તપાસવામાં આવેલા રેકોર્ડ પરથી એ સ્પષ્ટ થયું નથી કે ઉત્તર પ્રદેશ સરકાર અને આગ્રા નગર નિગમે આ જમીન કેવી રીતે હસ્તગત કરી, તેને અલગ-અલગ પ્લોટમાં કેવી રીતે વહેંચી અને રાજસ્થાના વાંધાઓ છતાં તેને કેવી રીતે વેચવામાં આવી. રાજસ્થાન સરકારે મથુરા, પ્રયાગરાજ અને વારાણસીની કેટલીક મિલકતો પર પણ આ પ્રકારના દાવા કર્યા છે. આ દાવા એવી મિલકતોની વ્યાપક સમીક્ષા બાદ કરવામાં આવ્યા છે, જેના વિશે રાજસ્થાનનું કહેવું છે કે તે અગાઉ જયપુરના તત્કાલીન રજવાડાની માલિકીની હતી. આગ્રાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રશાસન આઝાદ ભગત સિંહે જણાવ્યું હતું કે પ્રશ્ન એ નથી કે જયપુર રજવાડા પાસે આગ્રામાં જમીન હતી કે નહીં, કારણ કે ઐતિહાસિક રેકોર્ડથી આ વાત સાબિત થાય છે.

રાજસ્થાનના દાવાનો આધાર

રાજસ્થાન સરકારના દાવાના સમર્થનમાં રાજસ્થાનના મુખ્ય સચિવે પોતાના પત્રમાં રાજસ્થાન કોવેનન્ટની કલમ VI(2)(c)નો ઉલ્લેખ કર્યો છે. આ 1949માં ભારત સરકાર અને 14 રજવાડાંના શાસકો વચ્ચે થયેલો કરાર હતો. આ કરાર બંધારણ બન્યા પહેલાં થયો હતો.પત્રમાં 16 ફેબ્રુઆરી 1952ની રાજપત્ર સૂચનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં જયપુર રજવાડાની મિલકતોની યાદી આપવામાં આવી હતી. તેમાં મિર્ઝા રાજા જયસિંહનો મહેલ પણ સામેલ હતો. આ જ ઇમારતમાં હાલમાં આગ્રાની જીએસટી કચેરી આવેલી છે.આગ્રાના જિલ્લા મેજિસ્ટ્રેટે હવે જમીનના જૂના રેકોર્ડ અને ત્યાર બાદ થયેલા તમામ હસ્તાંતરણોની વિગતવાર તપાસના આદેશ આપ્યા છે.

વાંધા છતાં જમીનના પ્લોટ બનાવવામાં આવ્યા

જયપુર રજવાડાના વાંધા અને રાજસ્થાનને વળતર ચૂકવવાનો ઉત્તર પ્રદેશ સરકારનો ઇનકાર હોવા છતાં, આગ્રા નગર નિગમે 1960ના દાયકામાં જયપુર હાઉસ વિસ્તારની જમીનને 350 પ્લોટમાં વહેંચી દીધી હતી. તેમાંથી 110 પ્લોટ સહકારી મંડળીઓ મારફતે વેચવામાં આવ્યા હતા. જો રાજસ્થાન એ સાબિત કરી દે કે આગ્રાના જયપુર હાઉસ વિસ્તારની જમીન તેની છે, તો આ મામલો બંધારણીય પ્રશ્ન બની જશે. આ મિલકતની માલિકીને લઈને કેસ હાલમાં અદાલતમાં પેન્ડિંગ છે.