ગાંધીનગર: સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM), સોસાયટી ફોર ઓટોમોટિવ ફિટનેસ એન્ડ એન્વાયરમેન્ટ (SAFE), વાહન વ્યવહાર વિભાગ અને ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે ‘27th SAFE એન્યુઅલ કન્વેન્શન-સસ્ટેનેબલ મોબિલિટી એક્સપો’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. “સુરક્ષિત સફર: સુરક્ષા અને જવાબદારી તરફ એક સહિયારી યાત્રા” થીમ આધારિત આ કાર્યક્રમમાં રાજ્યના વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ હાજરી આપી હતી.
કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતા વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ જણાવ્યું હતું કે, ઇનોવેશન, ઇન્ટીગ્રેશન અને ઇન્ટરવેશન થકી માર્ગ સલામતીને વધુ સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. વાહનની આંતરિક સુરક્ષા માટે AIRBAG, ABS અને EBD જેવી સિસ્ટમ્સ અનિવાર્ય કરાયા બાદ હવે પદયાત્રીઓ અને નાના વાહનચાલકોની બાહ્ય સુરક્ષા માટે વિશેષ નીતિઓ અને ટેક્નોલોજીકલ સુધારા અપનાવવા જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે માર્ગ અકસ્માતો અટકાવવા માટે કાયદા અને ટેક્નોલોજી ઉપરાંત સમાજમાં ‘સિવિક સેન્સ’ અને પરસ્પર આદરનો અભિગમ કેળવવો અત્યંત આવશ્યક છે. આ તકે તેમણે ADAS સિસ્ટમ માટે યોગ્ય થર્મોપ્લાસ્ટિક રોડ માર્કિંગ, ડેશકેમ પોલિસી અને ‘બ્લેક સ્પોટ્સ’ દૂર કરવા પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે મંત્રીના હસ્તે SIAM ના “Context Paper – Analyzing India’s Imperatives for Road Safety” નું વિમોચન કરવામાં આવ્યું હતું, તેમજ માર્ગ સલામતી ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન આપનાર રાજ્યના ‘રોડ સેફ્ટી વારિયર્સ’ને એવોર્ડ એનાયત કરી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત, HMSI અને ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના ‘અમદાવાદ રોડ સેફ્ટી પ્રોજેક્ટ’ તથા NID અને ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના ‘ગાંધીનગર રોડ સેફ્ટી અવેરનેસ પ્રોજેક્ટ’નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ ‘સસ્ટેનેબલ મોબિલિટી એક્સપો’નું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
કાર્યક્રમમાં ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશનર સતિષ પટેલે ભારતમાં પ્રતિવર્ષ ૧.૮૦ લાખ અને ગુજરાતમાં ૮ હજારથી વધુ નાગરિકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવતા હોવા અંગે ચિંતા વ્યક્ત કરી સામૂહિક પ્રયાસો પર ભાર મૂક્યો હતો. માર્ગ અને મકાન વિભાગના સચિવ પી. આર. પટેલિયા અને પોલીસ અધિક્ષક સાહિત્યા વી. એ પણ રોડ નેટવર્કની સલામતી, મનોવૈજ્ઞાનિક જાગૃતિ અને ‘Life-Centric Road Intelligence’ અભિગમ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન ડેટા આધારિત અમલવારી, સલામત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટકાઉ મોબિલિટી જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ટેકનિકલ સત્રો યોજાયા હતા.




