લુધિયાણા: પંજાબના લુધિયાણામાં મુખ્ય મંત્રી ભગવંત માનના કાફલાની બહાર વિરોધ પ્રદર્શન કરવા બદલ પંજાબ પોલીસે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા રવનીત સિંહ બિટ્ટુની અટકાયત કરી છે. આ ઘટનાને પગલે પંજાબનાં રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે અને ભાજપે આ મામલે આક્રમક વલણ અપનાવ્યું છે.
શું છે મામલો?
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા રવનીત સિંહ બિટ્ટુની આજે પંજાબ પોલીસે અટકાયત કરી હતી. મુખ્ય મંત્રી ભગવંત માનનો કાફલો આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બિટ્ટુએ પંજાબ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી (પીએયુ)ના ગેટ પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. મુખ્ય મંત્રી ભગવંત માન પીએયુ ખાતે ખેડૂત મેળામાં પહોંચ્યા હતા. આ દરમિયાન બિટ્ટુએ મુખ્ય મંત્રીના કાફલા તરફ દારૂની એક બોટલ આગળ ધરી અને કહ્યું કે તેઓ મુખ્ય મંત્રીને “બોટલ પરત આપી રહ્યા છે”. તેમણે મુખ્ય મંત્રીને પોતાની દારૂની મજા લેવા અને અરવિંદ કેજરીવાલને “દિલ્હીથી પંજાબ લૂંટવા દેવા” અંગે ટિપ્પણી કરી હતી.
બિટ્ટુએ એક દિવસ અગાઉ બટાલા નજીક તેમના કાફલા પર ફેંકવામાં આવેલા ઈંડા અને ટામેટાં પણ પરત કર્યાં હતાં. તેઓ ભાજપની નશામુક્ત પંજાબ યાત્રા માટે જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. બિટ્ટુએ આરોપ લગાવ્યો હતો કે તેમના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો અને કાફલાનાં વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
VIDEO | Punjab: BJP leader Ravneet Singh Bittu detained by police today after he protested near the Punjab Agricultural University (PAU) gate in Ludhiana when Chief Minister Bhagwant Mann’s cavalcade was passing through the area.
(Full video available on PTI Videos -… pic.twitter.com/HwM8o5Kwy3
— Press Trust of India (@PTI_News) September 19, 2026
વિરોધ પ્રદર્શન બાદ બિટ્ટુએ શું કહ્યું?
વિરોધ પ્રદર્શન બાદ બિટ્ટુએ કહ્યું હતું કે ગઈ કાલે મારા કાફલા પર ઈંડાં અને ટામેટાં ફેંકવામાં આવ્યાં હતાં. આજે મેં તે પરત કરી દીધાં છે. જો આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપના નેતાઓ, રેલીઓ અને યાત્રાઓ સામે વિરોધ કરવા જઈ રહ્યા છે, તો ભાજપના કાર્યકરોને પણ પંજાબ સરકાર અને તેના નેતાઓ સામે વિરોધ કરવાનો લોકશાહી અધિકાર છે. અમે ચૂપ નહીં રહીએ.
બિટ્ટુએ કહ્યું હતું કે ભાજપ પંજાબ સાથે જોડાયેલા મુદ્દાઓ ઉઠાવતો રહેશે અને જ્યારે પણ જરૂર પડશે ત્યારે મુખ્ય મંત્રીના કાર્યક્રમો તથા કાર્યાલયની બહાર શાંતિપૂર્ણ અને લોકશાહી રીતે વિરોધ પ્રદર્શન કરશે. બિટ્ટુએ વધુમાં કહ્યું હતું કે પંજાબ સરકાર માટે આ સ્પષ્ટ સંદેશ છે કે પોલીસની કાર્યવાહીથી રાજકીય વિરોધને દબાવી શકાય નહીં. ભાજપના કાર્યકરો દરેક લોકશાહી વિરોધનો જવાબ લોકશાહી રીતે આપશે અને પંજાબની જનતા સાથે ઊભા રહેશે. આ નિવેદન બાદ પંજાબ પોલીસે ભાજપ નેતા રવનીત સિંહ બિટ્ટૂની અટકાયત કરી હતી. આ અગાઉ પઠાણકોટમાં રવનીત સિંહ બિટ્ટુના કાફલા પર હુમલો થયાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે બિટ્ટુએ આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું.

