દેશમુખ-ભ્રષ્ટાચાર પ્રકરણની સીબીઆઈ દ્વારા તપાસ કરાવોઃ ફડણવીસ

મુંબઈઃ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને રાજ્ય વિધાનસભામાં વિપક્ષી ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખને સંડોવતા વિવાદમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારની દલીલોને પડકાર ફેંક્યો છે. આજે અહીં પત્રકાર પરિષદમાં એમણે વળતો આક્ષેપ પણ કર્યો હતો કે પવાર દેશમુખને બચાવે છે અને સત્ય બોલતા નથી.

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં જે તારીખોનો ઉલ્લેખ કર્યો છે એ દરમિયાન દેશમુખ નાગપુરમાં કોરોનાગ્રસ્ત હતા અને હોમ ક્વોરન્ટીન હતા એવા પવારના નિવેદનોને ફડણવીસે રદિયો આપ્યો છે અને એક ફ્લાઈટ ઘોષણાપત્ર, પોલીસ વીઆઈપી વ્યક્તિઓની આવ-જાનો રેકોર્ડ તથા અન્ય દસ્તાવેજો પત્રકારો સમક્ષ રજૂ કર્યા હતા જેના પરથી સાબિત થાય છે કે દેશમુખ વાસ્તવમાં મુંબઈમાં જ હતા અને ક્વોરન્ટીન પણ થયા નહોતા. આ તો દેશમુખને બચાવવો પ્રયાસ છે. પવારને યોગ્ય રીતે વાકેફ કરવામાં આવ્યા નથી એટલે સત્ય બોલતા નથી. હું કેન્દ્રીય ગૃહ સચિવને મળીશ અને પરમબીરસિંહના પત્રની વિગતો આપીશ અને એમને વિનંતી કરીશ કે આ કેસમાં સીબીઆઈ દ્વારા તપાસ કરાવવામાં આવે, કારણ કે આમાં ઘણા મોટા નામો સંડોવાયેલા છે.