19 વર્ષ બાદ સંજય નિરુપમની ‘ઘર વાપસી’, આ પાર્ટીમાં થશે સામેલ

મુંબઈ: શિવસેના સાથે રાજકીય કરિયર શરૂ કરનાર સંજય નિરુપમ 19 વર્ષ બાદ ફરી ‘ઘર વાપસી’ કરશે.કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ તેઓ મહારાષ્ટ્રની એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં જોડાવા જઈ રહ્યા છે. સંજય નિરુપમે કહ્યું કે બાલા સાહેબ ભવનમાં સીએમ શિંદે સાથે મુલાકાત કર્યા પછી, તે નક્કી કરવામાં આવ્યું છે કે તેઓ 3 મેના રોજ તેમના તમામ સાથીઓ સાથે શિવસેના (શિંદે જૂથ)માં જોડાશે અને પ્રચાર જોરશોરથી કરશે. વાસ્તવમાં શિવસેના છોડ્યા બાદ નિરુપમ 2005માં કોંગ્રેસમાં જોડાયા હતા અને તેમને મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ 2009ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિગ્ગજ નેતા રામ નાઈકને સાંકડા અંતરથી હરાવીને ઉત્તર મુંબઈથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.

19 વર્ષ કોંગ્રેસમાં કામ કર્યું

કોંગ્રેસમાં તેમના 19 વર્ષના રોકાણ દરમિયાન તેમણે મુંબઈ એકમના પ્રમુખ પદ સહિત અનેક હોદ્દાઓ સંભાળ્યા હતા.ગત મહિને કોંગ્રેસે તેમને અનુશાસનહીન અને પક્ષ વિરોધી પ્રવૃતિઓને કારણે છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. તેમની હકાલપટ્ટીના થોડા દિવસો પહેલા જ નિરુપમે પાર્ટીને મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પર નિર્ણય લેવા માટે એક સપ્તાહનું અલ્ટિમેટમ આપ્યું હતું.

શું કહ્યું એકનાથ શિંદે?
શિવસેના પક્ષના અધિકારીઓની બેઠક બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બુધવારે પત્રકારોને જણાવ્યું કે સંજય નિરુપમ ટૂંક સમયમાં શિવસેનામાં જોડાશે. આ પ્રસંગે નિરુપમ પણ તેમની સાથે હતા, પરંતુ શિંદે તેને સૌજન્ય બેઠક ગણાવી હતી.આ દરમિયાન શિંદેએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈમાં બે ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. મુંબઈમાં 20 મેના રોજ મતદાન થશે.

નિરુપમ બિહારના રહેવાસી છે
મૂળ બિહારના રહેવાસી નિરુપમે 1990ના દાયકામાં પત્રકારત્વ દ્વારા રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ મુંબઈથી પ્રકાશિત અવિભાજિત શિવસેનાના હિન્દી મુખપત્ર ‘દોપહર કા સામના’ના સંપાદક બન્યા. તેમના કામથી પ્રભાવિત થઈને તત્કાલીન શિવસેના પ્રમુખ બાળ ઠાકરેએ તેમને 1996માં રાજ્યસભામાં મોકલ્યા. નિરુપમ શિવસેનાના સ્વર નેતા તરીકે ઉભરી આવ્યા.

2005માં શિવસેના છોડી દીધી હતી. તે સમયે શિવસેના મુંબઈમાં સ્થાયી થયેલા ઉત્તર ભારતીય મતદારોને પોતાની તરફેણમાં લેવાનો પ્રયાસ કરી રહી હતી. જોકે, નિરુપમને ત્યારે આંચકો લાગ્યો જ્યારે શિવસેનાએ તેમને 2005માં રાજ્યસભાનું સભ્યપદ છોડવાનું કહ્યું. શિવસેના સાથેના મતભેદોને કારણે તેમણે આખરે 2005માં પાર્ટી છોડી અને પછી કોંગ્રેસમાં જોડાયા.