મુંબઈ:સાંઈ મકરંદ દવેની યાદમાં કાંદિવલીમાં કાર્યક્રમનું આયોજન

મુંબઈ: મકરંદ દવે એટલે એક માત્ર કવિ, લેખક કે સાહિત્યકાર જ નહી પણ એક સંત અને ઋષિ કક્ષાની હસ્તી પણ ગણાય. આ સાંઈ મકરંદ દવેના આધ્યાત્મિક વિશ્વ અને કાવ્ય વિશ્વમાં તરબોળ થવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મકરંદ દવેની રચના અને સર્જન સાથે સાંજ વિતાવવા આગામી 4 મેના રોજ કાંદિવલી એજયુકેશન સોસાયટી (કેઈએસ) અને તેના દ્રારા સ્થાપિત ગુજરાતી ભાષા ભવન તરફથી એક પ્રોગ્રામ યોજવામાં આવ્યો છે.

આ પ્રસંગ “અદીઠો સંગાથઃ સાંઈ મકરંદ સાથે” શિર્ષક હેઠળ ઉજવાશે. જેમાં કેઈએસના પ્રેસિડન્ટ મહેશ શાહ વકતા તરીકે મકરંદ દવેના આધ્યાત્મિક વિશ્વમાં લઈ જનારું ગહન છતાં સરળ શૈલીમાં વકતવ્ય રજૂ કરશે, જયારે બીજા વકતા તરીકે દિનેશ પોપટ મકરંદ દવેના કાવ્ય વિશ્વ વિશે રસપ્રદ પ્રસ્તુતિ કરશે. આ બંને મહેશ શાહ અને દિનેશ પોપટ વરસોથી મકરંદ દવેના સર્જનના ભાવક છે. આ સાથે જાણીતા ગાયક જોની શાહ મકરંદ દવેના કેટલાંક ગીતો રજૂ કરશે.

આ કાર્યક્રમમાં ગુજરાતી તખ્તાના સુવિખ્યાત કલાકાર સનત વ્યાસ મકરંદ દવેની રચનાઓનું તેમની શૈલીમાં પઠન કરશે. જયારે કે સુપ્રસિધ્ધ ચિંતક- સાહિત્યકાર ડો.દિનકર જોષી પોતાના આશીર્વચન સાથે મકંરદ દવે વિશેની કેટલીક યાદો વાગોળશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા લેખિકા અને પ્રબુધ્ધ જીવનના તંત્રી ડો.સેજલ શાહ કરશે.

કાર્યક્રમનું સ્થળઃ કેઈએસ ઈન્ટરનેશનલ સ્કુલ, ત્રીજે માળે, ઈરાની વાડી નં.3, કાંદિવલી-વેસ્ટ.
સમય અને વારઃ શનિવાર, સાંજે 4:30