ઉનાળાના ધગધગતા તાપમાં ભરપૂર એનર્જી આપે છે આ પાંચ ડ્રિંક

ઉનાળાની ઋતુમાં ઘણા મોસમી ફળો અને શાકભાજીઓ વિપુલ પ્રમાણમાં હોય છે. આનું સેવન કરવાથી તમે ઉનાળાની ઋતુમાં થતી સમસ્યાઓથી દૂર રહી શકો છો. આ સિવાય હેલ્ધી ડ્રિંક પીવાથી હીટ સ્ટ્રોક અને ડિહાઈડ્રેશનથી પણ રક્ષણ મેળવી શકાય છે. સત્તુનું ડ્રિંક, નાળિયેરનું પાણી, છાશ એ કેટલાક પ્રવાહી પીણાં છે જે તમને ઉનાળામાં અંદરથી ઠંડક આપે છે. આ સાથે શરીરને ઘણા પોષક તત્વો પણ પૂરા પાડે છે. ઉનાળામાં ફાયદઓ આપે એવા 5 હેલ્ધી ડ્રિંક વિશે જાણીએ. આ ઉનાળામાં તમે ડાયેટમાં આનો સમાવેશ કરી શકો છો.

સત્તુનું ડ્રિંક- સત્તુ આયર્ન અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે અને તેમાં સોડિયમ ઓછું હોય છે. તે શરીરને ઝડપી ઉર્જા પ્રદાન કરે છે અને શરીરને અંદરથી ઠંડુ પણ રાખે છે. સત્તુ આંતરડા માટે સારું છે, કારણ કે તેમાં ઘણા બધા અદ્રાવ્ય ફાઇબર હોય છે. તે ગેસ, કબજિયાત અને એસિડિટીને પણ નિયંત્રિત કરે છે, જે તેને ઉનાળા માટે એક આદર્શ ઠંડક બનાવે છે.

છાશ- દહીંમાં મીઠું અને મસાલા ઉમેરીને બનેલી છાશ શરીરની ગરમી ઘટાડવામાં અને ડિહાઇડ્રેશનને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે ઈલેક્ટ્રોલાઈટ્સથી ભરપૂર હોય છે. ઉનાળામાં ઘણીવાર શરીરમાં પાણીની ઉણપ જોવા મળે છે, તેનાથી બચવા માટે છાશ એક ઉત્તમ પીણું છે. ઉનાળામાં છાશ પીવાથી ગરમીની ફોલ્લીઓ અને સામાન્ય બેચેની જેવી આ ઋતુમાં થતા રોગોને દૂર કરવામાં મદદ મળે છે.

કાકડી, મિન્ટ ડ્રિંક– કાકડી અને ફુદીનામાંથી તૈયાર કરવામાં આવેલ પીણું પણ ઉનાળામાં પીવા માટે એક ઉત્તમ અને ઠંડુ અને તાજગી આપનારું પીણું છે. તે તેની ઠંડક ક્ષમતા સાથે હીટ સ્ટ્રોકની શક્યતા ઘટાડી શકે છે. તે શરીરમાં ડીહાઈડ્રેશનને પણ અટકાવે છે કારણ કે કાકડીમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે.

નારિયેળનું પાણી- નારિયેળનું પાણી કુદરતી હાઇડ્રેટર છે. નાળિયેર પાણી પીવાથી પરસેવા દ્વારા ઉત્સર્જન થતા માનવ શરીરના ઈલેક્ટ્રોલાઈટ્સની ઉણપને દૂર કરી શકાય છે. તેને પીતાની સાથે જ શરીર પર ઠંડકની અસર થાય છે. તે ઉનાળાની ઋતુમાં આપણી પાચનતંત્રને પણ યોગ્ય રાખે છે. પેટની અસ્તર પર બળતરાની સમસ્યાને ઓછી કરે છે.

બીલાનો રસ: બીલા એક એવું ફળ છે જે ઉનાળાના કાળઝાળ દિવસોમાં ઉર્જા વધારવાનું કામ કરે છે. તેનો રસ પીવાથી શરીરને ઠંડક મળે છે. બીલાનો રસ રિબોફ્લેવિનથી ભરપૂર હોય છે. તેમાં બી-વિટામિન પણ હોય છે, જે ગરમીના દિવસોમાં શરીરની એનર્જી સપ્લાય જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઉનાળામાં દરરોજ એક ગ્લાસ ઠંડું શરબત પીવો. તેમાં ફાઈબર હોય છે, જે ન માત્ર કબજિયાતની સમસ્યાને દૂર કરે છે પરંતુ પાચનને પણ સ્વસ્થ રાખે છે.