સુપ્રીમ લોન-મોરેટોરિયમ નીતિમાં હસ્તક્ષેપ ન કરી શકે

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે લોકડાઉન દરમ્યાન બેન્ક દેવાં (લોન) પર વસૂલવામાં આવતા વ્યાજ પર વ્યાજના મામલામાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે કહ્યું છે કે રાજકોષીય નીતિઓનો મામલે કેન્દ્ર અને રિઝર્વ બેન્કના અધિકાર ક્ષેત્રમાં છે. કોર્ટ આ મુદ્દે ન્યાયિક સમીક્ષા ન કરી શકે. આર્થિક નીતિ નિર્ણયો પર ન્યાયિક સમીક્ષાનો વ્યાપ સીમિત છે. કોર્ટ વેપાર અને વ્યવસાયના શૈક્ષણિક મામલા પર દલીલો નહીં કરે. અમે એ નક્કી નથી કરી શકતા કે કઈ જાહેર નીતિ વધુ યોગ્ય છે. યોગ્ય નીતિને આધારે કોઈ પણ નીતિ રદ નથી કરી શકતા, એમ કોર્ટે કહ્યું હતું.

જોકે કોર્ટે કહ્યું હતું કે આ દરમ્યાન EMI ન ભરવા પર દંડ ના લગાવવામાં આવવો જોઈએ  અને જો એ લીધો હોય તો આગામી EMIમાં એડજસ્ટ કરવામાં આવે. કોર્ટે એ પણ કહ્યું છે આરબીઆઇ  નિષ્ણાતોની સલાહ અનુસાર આર્થિક નીતિ નક્કી કરે છે. કોર્ટથી આર્થિક સલાહની અપેક્ષા ના કરી શકાય.

અમે આર્થિક નીતિ પર કેન્દ્ર સરકારના સલાહકાર નથી, રોગચાળાએ સમગ્ર દેશને અસર કરી છે. સરકારે નાણાકીય પેકેજની રજૂ કર્ટયું હતું. સરકારે જાહેર આરોગ્ય, નોકરીઓનું ધ્યાન રાખવું પડે. લોકોને આર્થિક તંગી રહી, લોકડાઉનને કારણે ટેક્સ ગુમાવતાં આર્થિક રાહતની ઘોષણા કરવા માટે કેન્દ્ર-આરબીઆઇને કહી ન શકાય. કોર્ટ લોકડાઉનના સમયગાળામાં બેન્કોના લોન પર વ્યાજ માફ કરવા માટે કેન્દ્રને નિર્દેશ આપી ન શકે.