45-વર્ષની ઉપરના તમામને 1-એપ્રિલથી કોરોના-રસી અપાશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાનમંડળે નિર્ણય લીધો છે કે આવતી 1-એપ્રિલથી દેશમાં 45-વર્ષથી વધુની ઉંમરના તમામ લોકોને કોરોનાવાઈરસ-વિરોધી રસી આપવામાં આવશે. આ નિર્ણય આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે. આ જાણકારી કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે આપી છે. એમણે કહ્યું કે, દેશમાં કોરોના-વિરોધી રસી ભરપૂર માત્રામાં ઉપલબ્ધ છે. એની કોઈ કમી નથી.

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાવાઈરસ મહાબીમારીનું બીજું મોજું હાલ તીવ્ર બન્યું છે. અનેક રાજ્યોમાં કોરોનાદર્દીઓના કેસ વધી જતાં લોકડાઉન, નાઈટ-કર્ફ્યૂ, શાળા-કોલેજો બંધ સહિતના નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. કોરોનાનો ફેલાવો રોકવા અને આ રોગચાળાનો ભારતમાં અંત લાવવા માટે કોરોના રસી લેવી જરૂરી છે અને એ જ શ્રેષ્ઠ ઉપાય છે. દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડ 72 લાખથી વધારે લોકોને કોરોના રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે સોમવારે 45 વર્ષથી ઉપરના અને ગંભીર બીમારીઓથી ગ્રસ્ત એવા 3,34,367 લોકોને કોરોના રસી આપવામાં આવી હતી જ્યારે 60થી વધુ વયના 13,07,614 લોકોને રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો.