દુબઈમાં ભારે વરસાદથી પૂરનું જોખમઃ અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ

દુબઈઃ યુનાઇટેડ આરબ અમિરાત (UAE)માં ભારે પવન અને તોફાનને કારણે અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને રદ કરી દેવી પડી છે. દુબઈના નાગરિકો સવારે ત્રણ કલાકે ભારે હવા અને ગડગડાટ અને વીજળીને કારણે હેરાન થયા હતા. અબુ ધાબીના કેટલાક વિસ્તારોમાં પણ જળભરાવો થવાના અહેવાલ હતા. UAEના હવામાન વિભાગે બીજી અને ત્રીજી મેએ દેશમાં ભારે વરસાદનું અલર્ટ જારી કર્યું છે. UAEનાં આઠ શહેરોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

શહેરમાં વરસાદને કારણે સ્કૂલ અને બસ સેવાઓ આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. શારજહાં સિટીમાં પાણી ભરાવા લાગ્યાં છે. દુબઈ પોલીસ સ્થિતિની ગંભીરતા જોતાં UAEના અનેક વિસ્તારોમાં રસ્તો બંધ કરી દીધા છે. આટલું જ નહીં અનેક શહેરોમાં પૂર જેવી સ્થિતિ છે. સત્તાવાળાઓએ લોકોને બહાર ના નીકળવાની સલાહ આપી છે. રસ્તાઓ પર વક્ષો ધરાશાયી થયાં છે. જેથી વાહનવ્યવહાર પણ ખોવાયો છે. બુધવારે દેશના ડિઝાસ્ટર મેનેજમેન્ટ (NCEMA)ને સ્થિતિને કાબૂમાં કરવા માટે તૈયારીઓ તેજ કરી હતી.

આના બે સપ્તાહ પહેલાં દુબઈમાં ભારે વરસાદને પગલે શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. દુબઈના નેશનલ ઇમર્જન્સી ક્રાઇસિસ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આ સ્થિતિને પહોંચી વળવા માટે સતર્કતાનો સ્તર વધારી દીધો છે. આ વખતે વરસાદ એપ્રિલમાં થયેલા વરસાદની તુલનાએ ઓછઓ ગંભીર હોવાની અપેક્ષા છે. જોકે વહીવટી તંત્રએ લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે.

UAEના વિસ્તારોમાં 14-15 એપ્રિલે મુશળધાર વરસાદ થયો હતો. દુબઈમાં એ 1949 પછી સૌથી વધુ વરસાદ થયો હતો.