મુસાફરોની મુશ્કેલી થશે હળવી,એરપોર્ટની સુવિધામાં થયો વધારો

અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની સુવિધામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે એરપોર્ટના ટર્મિનલ 2માં મુસાફરો માટે સુવિધામાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ એરપોર્ટના ઇન્ટીગ્રેટેડ ટર્મિનલમાં સિક્યુરિટી હોલ્ડ એરિયાથી લઇને એરોબ્રિજ અને ચેક ઇન કાઉન્ટર્સમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ફક્ત ટર્મિનલમાં જ નહી પરંતુ એર સાઇટ પર એટલે કે રનવે ઉપર પણ સુધારા વધારા કરવામાં આવ્યા છે.

ઇન્ટિગ્રેટેડ ટર્મિનલમાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની થીમ

અમદાવાદના ઇન્ટિગ્રેટેડ ટર્મિનલમાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની થીમ ઉપર ડિઝાઇન કરવામાં આવી છે. ઈન્ટિગ્રેટેડ ટર્મિનલમાં સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ મૂર્તિના દર્શન પણ થશે. આ ઉપરાંત ચેક ઇન કાઉન્ટર પાછળ અમદાવાદની ઝાંખી જોવા મળશે. આ સાથે મુસાફરોને વર્લ્ડ હેરિટેજ સિટીમાં આવ્યાનો અનુભવ પણ ટર્મિનલની ડિઝાઈન પરથી થશે. તો બીજી બાજુ ચેક ઇન કાઉન્ટર્સ અને ઇમિગ્રેશન કાઉન્ટર્સ પણ ગુજરાતના ટેક્સટાઈલ ઉદ્યોગનુ પ્રતિનિધિત્વ કરે છે. આ કાઉન્ટર્સની બહારના ભાગમાં બાંધણી અને બ્લોક પ્રિન્ટ્સની કૃતિ મુસાફરોને હળવો અનુભવ કરાવશે. વિદેશથી આવતા મહેમાનો અમદાવાદ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ ગુજરાતમાં હોવાનો અનુભવ થશે.

અગાઉ ટર્મિનલ-2 પર 14 ઇમિગ્રેશન કાઉન્ટર્સ હતા. જે હવે વધારીને 19 કરવામાં આવ્યા છે તથા મેટલ ડિટેક્ટરમાં પણ વધારો કરીને 24 કર્યા છે. એરપોર્ટ ઉપર મુસાફરોને તથા સામાનને સ્કેન કરવા માટે અગાઉ ફક્ત ચાર એક્સ-રે સ્કેનર હતા. જે હવે 14 થઈ ગયા છે. અગાઉ ફક્ત ચાર બેગેજ બેલ્ટ હતા, જેમાં હવે વધારાના 2 બેગેજ બેલ્ટનો ઉમેરો કરવામાં આવ્યો છે.

આ ટર્મિનલ ઉપરાંત એરપોર્ટના રનવે પર ઘણા સુધારા કરવામાં આવ્યા છે. જેથી એરપોર્ટ સુવ્યવસ્થિત રીતે દેશી ઉપરાંત વિદેશી ફ્લાઈટ ઓપરેટ કરી શકે. મુસાફરોને વધુમાં વધુ શહેરો સાથે કનેક્ટિવિટી મળી રહે તે માટે ઘણા સુધારા કરવામાં આવ્યા છે. તેમાં સૌથી મહત્વના એરોબ્રિજ તૈયાર કરવામાં આવ્યા છે. અગાઉ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ચાર એરોબ્રિજ હતા. જેનું હવે એક્સપાન્શન કરીને હાલમાં આઠ એરોબ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યા છે

આ અગાઉ જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સગવડતાનો વ્યાપ ઓછો હતો તે દરમિયાન દર વર્ષે અમદાવાદ એરપોર્ટના ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટર્મિનલ ઉપરથી કુલ 25 લાખ મુસાફરો મુસાફરી કરતા હતા. પરંતુ અમદાવાદ એરપોર્ટમાં સુધારા કરવાથી મુસાફરોની સંખ્યા વધીને વાર્ષિક 88 લાખે પહોંચી શકવાની સંભાવના છે.