રાજ્યમાં વધશે ગરમીનું જોર, જાણો હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: રાજ્યમાં ગરમીનો પારો દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. અને બીજી બાજુ ગરમીને લઈ રોગચાળામાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. એપ્રિલ મહિનામાં ગરમીએ 80 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે ગરમીને લઈ આગાહી વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં આગામી 4 દિવસ હિટવેવની અગાહી છે. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડમાં હીટવેવની આગાહી છે. આ સાથે કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, દમણ, વલસાડના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉષ્ણ લહેરની એટલે કે હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જોકે, આ ઉપરાંતના ગુજરાતના પ્રદેશોમાં કોઇપણ પ્રકારની ચેતવણી આપવામાં આવી નથી.

જ્યારે વાત કરવામાં આવે છેલ્લા 24 કલાકના મહત્તમ તાપમાનની તો, ગુજરાતમાં સૌથી વધુ તાપમાન અમરેલીમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. અમદાવાદમાં 41 અને ગાંધીનગરમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. વધુમાં હવામાન નિષ્ણાતે જણાવ્યું કે આગામી ત્રણ દિવસ ગરમીના પારો વધારો જોવા મળવાની સંભાવના છે.