‘સુશાંતસિંહે આત્મહત્યા નહોતી કરી? તો કોણ છે હત્યારો?’

મુંબઈઃ બોલીવુડના યુવા-પ્રતિભાશાળી અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુની ઘટનાને આજે બરાબર એક વર્ષ થયું. ગયા વર્ષે 14 જૂને મુંબઈના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં સુશાંત એના નિવાસસ્થાનમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. એના મૃત્યુનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. અભિનેતાના નિધનની આજે પહેલી વરસીએ મહારાષ્ટ્રની સંયુક્ત સરકારના ભાગીદાર પક્ષ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્રીય તપાસનીશ એજન્સી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ની ઝાટકણી કાઢી છે. એમણે સવાલ કર્યો છે કે જો સુશાંતસિંહે આત્મહત્યા નહોતી કરી તો સીબીઆઈ જણાવે કે એનો હત્યારો કોણ છે?

એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે ભાજપ ઉપર આરોપ મૂક્યો છે કે તે સુશાંતસિંહના મૃત્યુ પ્રકરણમાં મહારાષ્ટ્ર સરકારને બદનામ કરે છે, કારણ કે તે આગામી બિહાર વિધાનસભા ચૂંટણીમાં સુશાંતસિંહ રાજપૂતના નામે વોટ મેળવવા ઈચ્છે છે. મહારાષ્ટ્ર સરકારમાં અન્ય ભાગીદાર પક્ષ કોંગ્રેસે પણ સીબીઆઈના મૌન વિશે સવાલ ઉઠાવ્યો છે. પાર્ટીના નેતા સચિન સાવંતે કહ્યું છે કે સુશાંતસિંહના કમનસીબ મૃત્યુને એક વર્ષ વીતી ગયું છે, પણ સીબીઆઈ તેની તપાસના આખરી નિષ્કર્ષની જાહેરાત ક્યારે કરશે? સીબીઆઈએ આ કેસમાં તપાસ શરૂ કરી એને 310 દિવસ થઈ ગયા અને આ કેસમાં હત્યાના એન્ગલને દિલ્હીની AIIMS સંસ્થાએ નકારી કાઢ્યાને 250 દિવસ થઈ ગયા. સીબીઆઈએ હવે તપાસના નિષ્કર્ષની જાહેરાત કરવી જોઈએ. શું એજન્સી તેના રાજકીય ગુરુઓના કોઈ દબાણ હેઠળ છે?