માસ્ક-વગર ફરનારાઓ પાસેથી દંડરૂપે રૂ.57-કરોડ વસૂલ કરાયા

મુંબઈઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીનો ફેલાવો રોકવા માટે ઘરની બહાર નીકળતી વખતે મોઢા પર માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે તે છતાં ઘણા લોકો એ નિયમનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા છે. બૃહદમુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)એ એવા બેજવાબદાર લોકોને પકડીને એમની પાસેથી દંડ રૂપે રૂ. 57 કરોડની રકમ વસૂલ કરી છે. આ આંકડો ગઈ 14 જૂન સુધીનો છે.

માસ્ક વગર ઘૂમતા લોકોને પકડીને મુંબઈ પોલીસ તથા રેલવે વહીવટીતંત્રએ દંડની રકમ વસૂલ કરી છે. આમાં, મહાપાલિકાએ રૂ. 49,62,01,600, મુંબઈ પોલીસે રૂ. 7,41,82,800 અને રેલવેએ રૂ. 50,39,200ની રકમ દંડરૂપે વસૂલ કરી છે. મુંબઈમાં છ ઝોનમાં, ઝોન-2માં સૌથી વધારે લોકોએ માસ્ક-નિયમનો ભંગ કર્યો છે. ત્યાંથી રૂ. 8,79,45,100નો દંડ વસૂલ કરાયો છે. બીજા નંબરે ઝોન-4 આવે છે જ્યાં નિયમભંગ કરનારાઓ પાસેથી રૂ. 8,23,94ત,800 વસૂલ કરવામાં આવ્યા છે.