શિવસેના વિધાનસભ્યએ રોડ કોન્ટ્રાક્ટરને જાહેરમાં ‘સજા’ કરી

મુંબઈઃ શહેરના અંધેરી (પૂર્વ) ઉપનગરના ચાંદીવલી મતવિસ્તારમાં શાસક શિવસેના પાર્ટીના એક વિધાનસભ્યએ રોડ પરની ગટરો સાફ કરાવવાની કામગીરી યોગ્ય રીતે ન બજાવવા બદલ એક કોન્ટ્રાક્ટરને પાણી ભરાયેલા રસ્તા પર બેસાડીને એની પર કચરો નખાવ્યો હતો.

કોન્ટ્રાક્ટરને સજા કરતા દિલીપ લાંડે નામના વિધાનસભ્યનો વિડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે. લાંડે તથા બીજા લોકોએ કોન્ટ્રાક્ટરને પાણી ભરાયેલા રસ્તા પર બેસવા કહ્યું હતું. કોન્ટ્રાક્ટર રસ્તા પર બેઠો એ પછી લાંડેએ બે જણને આદેશ આપ્યો હતો કે તેઓ કોન્ટ્રાક્ટર પર રસ્તા પર જમા થયેલો ગંદો કચરો નાખે, જે મુજબ પેલા લોકોએ એમ કર્યું હતું. કહેવાય છે કે વિસ્તારની ગટરો સાફ કરાવવાનું કામ મેળવ્યું હતું તે છતાં એ કોન્ટ્રાક્ટર હાજર થયો નહોતો. એને કારણે ગત્ બે દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે ગટરોમાં કચરો ભરાતાં એ ઉભરાઈ ગઈ હતી અને રસ્તા પર ગંદું પાણી ફરી વળ્યું હતું.